27 May, 2026 12:14 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશમાં એક સ્ત્રી-નિષ્ણાત ડૉક્ટરે શૅર કરેલા વિડિયોમાં આજે પણ ભારતમાં છોકરા-છોકરીના જન્મ માટે કેવો માહોલ છે એ સ્પષ્ટ થાય છે. બાવીસ વર્ષની યુવતી આ ડૉક્ટર પાસે આવી છે. તે પ્રેગ્નન્ટ છે. નવાઈ એ નથી કે તે પ્રેગ્નન્ટ છે, પણ છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થઈ છે. તેનાં લગ્ન થયાં ત્યારે તે જસ્ટ ૧૫ વર્ષની હતી. અત્યાર સુધીમાં તેને ઑલરેડી પાંચ સંતાનો છે. એક દીકરો અને ચાર દીકરીઓ. આ યુવતી છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થઈ છે અને આ બાળકને પણ તે જન્મ આપવા માગે છે. ડૉક્ટરે આ યુવતી સાથેની વાતચીતનો વિડિયો લઈ શકાય કે કેમ એ પૂછ્યું તો તેને એમાં કોઈ વાંધો નહોતો. આ વિડિયોમાં યુવતી કહે છે, ‘મને છોકરીઓ બહુ થઈ છે, પણ અમારી પાસે દીકરો એક જ છે. અમને હજી એક દીકરો જોઈએ છે.’
આ રાજસ્થાની યુગલની માનસિકતા એ જ જૂનીપુરાણી છે જેમાં એક છોકરો વંશ અને ખાનદાનને આગળ વધારવા માટે પૂરતો નથી. ડૉક્ટરે છેલ્લે કહ્યું હતું કે બાવીસ વર્ષની ઉંમરે છઠ્ઠી વાર બાળકને જન્મ આપવો એ મહિલાના સ્વાસ્થ્ય માટે ઠીક નથી. મહિલા ખૂબ નબળી પડી ગઈ છે અને પોષક તત્ત્વોની કમીને કારણે તેના અને બાળકના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે.