26 November, 2025 02:09 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
શનિવારે ૩ કલાકના અંતરે અનારકલીએ બે માદા હાથીબાળને જન્મ આપ્યો હતો
મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં અનારકલી નામની ૫૭ વર્ષની એક હાથિણીએ એકસાથે બે બચ્ચાંને જન્મ આપ્યો હતો. હાથીઓના વિશ્વમાં આવી ઘટના ખૂબ જવલ્લે જ જોવા મળે છે. પન્ના ટાઇગર રિઝર્વમાં આવું પહેલી વાર બન્યું છે. શનિવારે ૩ કલાકના અંતરે અનારકલીએ બે માદા હાથીબાળને જન્મ આપ્યો હતો. વન્યજીવ પશુચિકિત્સક ડૉ. સંજીવકુમાર ગુપ્તાએ આ ટ્વિન એલિફન્ટ બેબીઝને પ્રકૃતિનો ચમત્કાર અને રૅર ઘટના ગણાવીને કહ્યું હતું કે સંરક્ષણક્ષેત્રોમાં હાથી ટ્વિન બચ્ચાંને જન્મ આપે એ ખૂબ જ અસામાન્ય છે.
પન્ના ટાઇગર રિઝર્વ આમ તો વાઘો માટે વિશ્વપ્રસિદ્ધ છે, પરંતુ અહીં હાથીઓની વસ્તી પણ સારી છે. અનારકલીનાં બચ્ચાંઓના આગમન પછી હવે અભયારણ્યમાં હાથીઓની કુલ સંખ્યા ૨૧ થઈ ગઈ છે.