ઉત્તર પ્રદેશમાં પરિણીત મહિલા બે દીકરીઓ સાથે કાકાસસરા સાથે નાસી ગઈ, પતિએ ૨૦,૦૦૦નું ઇનામ રાખ્યું

21 May, 2025 12:00 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મહિલાના પતિ જિતેન્દ્ર કુમારે પત્ની અને દીકરીઓને શોધી આપનારને ૨૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

જિતેન્દ્ર કુમાર અને તેની પત્ની

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના પુરણપુરા ગામમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક પરિણીત મહિલા બે દીકરીઓ સહિત તેના કાકા સસરા સાથે ભાગી ગઈ હતી. આ મહિલાના પતિ જિતેન્દ્ર કુમારે પત્ની અને દીકરીઓને શોધી આપનારને ૨૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

પુરણપુરાનો રહેવાસી જિતેન્દ્ર કુમાર ટૅક્સી-ડ્રાઇવર છે. ૨૦૧૪માં તેનાં લગ્ન થયાં હતાં. તેનાં સંતાનોમાં બે દીકરી અને એક પુત્ર છે. જિતેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે તે ૩ એપ્રિલે કાનપુરથી ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્ની અને તેની બે દીકરીઓ ગાયબ હતી. પરિવારમાં તેના કાકા નંદરામ પણ ગુમ હતા. જિતેન્દ્ર અને તેના પિતા શ્યામ કિશોરે મહિલાને શોધવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા, પરંતુ કોઈ સફળતા મળી નહીં. એક દીકરો ઘરે રહી ગયો છે, જેને કારણે પરિવાર વધુ દુઃખી છે.

આ ઘટના અંગે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બ્રિજેશકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘આ મામલો ભરથાણા ચોકી વિસ્તારનો છે. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે મહિલા એક પુરુષ સાથે નાસી ગઈ હતી જે તેના કાકા-સસરા હતા. પોલીસે કેસ નોંધ્યો છે અને મહિલા અને બાળકોની શોધખોળ ચાલી રહી છે. દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.’

uttar pradesh relationships national news news social media offbeat news