07 July, 2025 01:16 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
બે વર્ષ સુધી મોના બુગાલિયા નામની મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે રહી
રાજસ્થાન પોલીસ ઍકૅડેમીમાં લગભગ બે વર્ષ સુધી મોના બુગાલિયા નામની મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે રહી. ત્યાં રહીને તે તાલીમસત્રોમાં પણ ભાગ લેતી રહી અને પોલીસની વરદી પહેરીને અહીં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા. મોનાએ પોતાને ‘મૂળીદેવી’ ગણાવીને તાલીમ લીધી હતી.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બનવા માટે ખૂબ મહેનત અને પરિશ્રમથી પરીક્ષા પાસ કરવી પડે છે અને મેડિકલ ગ્રાઉન્ડ પર સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. જોકે આવું કંઈ જ કર્યા વિના મોના મૂળીદેવી બનીને પોલીસ તાલીમકેન્દ્રમાં આવતી-જતી રહી અને નકલી ઓળખાણના સહારે તાલીમ પણ લેતી રહી. વાસ ગામમાં રહેતી મોનાના પિતા ટ્રક-ડ્રાઇવર છે. તેણે ૨૦૨૧માં સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી, પણ તે ફેલ થઈ હતી. એ પછી તેણે નકલી દસ્તાવેજ તૈયાર કરીને સોશ્યલ મીડિયા પર પોતાને સબ-ઇન્સ્પેક્ટર (SI) ઘોષિત કરી દીધી. બસ, એ પછી તે ખરેખર SI બન્યા વિના જ તેમના વૉટ્સઍપ-ગ્રુપમાં ઘૂસી ગઈ અને રાજસ્થાન પોલીસ ઍકૅડેમીના જૂના સ્પોર્ટ્સ ક્વોટાના બૅચનો હિસ્સો બનીને ટ્રેઇનિંગમાં ભાગ લેવા માંડી હતી. મોનાની સાથે તાલીમ લઈ રહેલા કેટલાક બીજા ઉમેદવારોને મૂળીદેવીની વર્તણૂક વિચિત્ર લાગતી હોવાથી તેમણે સિનિયર્સને ફરિયાદ કરી હતી. પોલીસની વરદીનો લાભ લઈને તે ફાયદો ઉઠાવવા માગતી હોય એવી સ્થિતિમાં વારંવાર જોવા મળી હતી એટલે વરિષ્ઠ અધિકારીઆએ તેના દસ્તાવેજ તપાસવા માગ્યા અને ભાંડો ફૂટ્યો હતો. તેની પાસેથી ૭ લાખ રૂપિયા કૅશ, પોલીસના ૩ યુનિફૉર્મ અને રાજસ્થાન પોલીસ ઍકૅડેમીની પરીક્ષાને લગતી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.