07 July, 2025 01:00 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
પાળેલા ડૉગને માલિક ટ્રાફિકમાં રોડ પર છોડીને જતો રહ્યો, પેટ ડૉગ કારની પાછળ બે કિલોમીટર સુધી દોડતો ને ભસતો રહ્યો
હરિયાણાના ફરીદાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. @TheViditsharma નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલા વિડિયોમાં જોવા મળે છે કે એક કારનો માલિક પાળેલા ડૉગને લઈને આવે છે અને ભરચક ટ્રાફિકની વચ્ચે એને નીચે ઉતારી દે છે. એ પછી તે કારનો દરવાજો બંધ કરીને કારને ભગાવી મૂકે છે. અચાનક જે કંઈ પણ થયું એનાથી બઘવાયેલો ડૉગી દોડતી કારનો પીછો કરે છે અને ભસી-ભસીને જતાવવાની કોશિશ કરે છે કે પોતે બહાર રહી ગયો છે, પણ ડ્રાઇવર કાર રોકતો જ નથી. લગભગ બે કિલોમીટર સુધી ડૉગી માલિકની કાર પાછળ દોટ લગાવે છે, પણ કાર રોકાતી જ નથી. સોશ્યલ મીડિયા પર આ બાબતે પ્રાણીપ્રેમીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. સ્વાભાવિક છે કે મનફાવે ત્યારે રમકડાંની જેમ પેટ્સ લઈ આવવાં અને પછી એમને આમ રઝળતાં મૂકી દેવાનાં? લોકોએ ડિમાન્ડ કરી છે કે જેમ બાળકને તરછોડવું એ ગુનો છે તો પ્રાણીઓને પાળીને આમ તરછોડી દેવાં એને પણ ગુનો જ ગણવો જોઈએ.