10 April, 2025 07:02 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
૨૭ વર્ષના બીનુ રૈદાસ
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક પરિવારે તેમની દીકરીના પ્રેમીને જે બર્બરતાથી મોતને ઘાટ ઉતાર્યો છે એની ઘટના રૂંવાડાં ખડાં કરી દે એવી છે. ફત્તેહપુરના પહાડપુર ગામમાં રવિવારે રાતે એક પરિવારે દીકરીના સામિયાના ગામમાં રહેતા ૨૭ વર્ષના બીનુ રૈદાસ નામના પ્રેમીને કોઈ બહાનું આપીને બોલાવ્યો અને પછી બધાએ મળીને તેને ખૂબ માર્યો. પક્કડથી તેના હાથ અને પગની આંગળીઓના નખ ઉખાડી નાખ્યા, કાનમાં સ્ક્રૂ-ડ્રાઇવર ખોસી દીધું અને શરીરે ડામ આપ્યા અને પછી રાતના અંધારામાં ઘરની બહાર ફેંકી દીધો. રાતભર યુવક તડપતો અને કણસતો રહ્યો, પણ જ્યારે વહેલી સવારે બીજા ગામલોકો ઊઠ્યા ત્યારે આ કણસતા યુવકને જોયો અને તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. એ વખતે તેનું શરીર ઠેર-ઠેર ડામ આપવાને કારણે કાળું પડી ગયેલું તથા કાન, નાક અને હાથ લોહીલુહાણ હતાં.
બીનુના પિતા કલ્લુએ આપેલા બયાન મુજબ બીનુ ઘરોમાં પેઇન્ટિંગનું કામ કરે છે અને રવિવારે સવારે કામ પર જ ગયો હતો. ત્યાંથી સાંજે ચાર વાગ્યે પાછો આવ્યો. સાંજે છ વાગ્યે તેને કોઈનો ફોન આવતાં તે નયાપુરવા ગામમાં નૌટંકી જોવા જતો રહ્યો અને રાતે પાછો આવ્યો જ નહીં. સવારે તેમને સૂચના મળી કે દીકરો પહાડપુર ગામમાં એક ઘરની બહાર પડ્યો છે. તરત જ બીનુના પરિવારજનો પહાડપુર પહોંચ્યા અને દીકરાને ગાઝીપુર હૉસ્પિટલ લઈને પહોંચ્યા. જોકે ત્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.
બીનુની આ હાલત કોણે કરી એ જાણવા પોલીસે ઘટનાસ્થળે પૂછતાછ કરતાં ખબર પડી કે બીનુને અહીંની એક છોકરી સાથે પ્રેમ હતો. જોકે છોકરીના પરિવારજનો પહેલાં વાતને ગોટે ચડાવવાની કોશિશ કરતા રહ્યા. પહેલાં કહ્યું કે બીનુ ચોરી કરવા માટે ઘરમાં આવ્યો હતો એટલે તેમણે તેને મારીને ભગાવ્યો હતો. જોકે પોલીસે યુવક-યુવતીના કૉલ રેકૉર્ડ્સ તપાસ્યા તો મોબાઇલના છેલ્લા કૉલ પરથી પણ આ વાત કન્ફર્મ થઈ કે પરિવારે જ સામેથી બીનુને બોલાવ્યો હતો.