14 May, 2026 01:09 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો
હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ હવે એક નવા ઇનિશિએટિવને કારણે ચર્ચામાં આવી છે. આ જેલ લોકોને જેલના સળિયા પાછળની જિંદગી કેવી હોય એનો અનુભવ આપે છે. આ નવી પહેલનું નામ છે ‘ફીલ ધ જેલ’. ચંચલગુડા પ્રિઝન મ્યુઝિયમમાં શરૂ કરવામાં આવેલી આ અનુભવ માટેની જેલનો હેતુ છે જેલમાંથી છૂટેલા કેદીઓ સાથે સહાનુભૂતિ પેદા કરવાનો. આ જેલમાં તમે ૧૨થી ૨૪ કલાક રહી શકો છો, પરંતુ એ માટે તમારે ૨૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે. અહીં તમને નવી બનાવેલી જેલની બૅરૅકમાં રાખવામાં આવશે. એક કેદી જે રીતે રહે એ જ રીતે તમારે રહેવાનું રહેશે. જેલના નિર્ધારિત સમય મુજબ બૅરૅકમાંથી આવન-જાવન પર પ્રતિબંધ હશે. જેલ જેવું જ અને જેલમાં જે રીતે મળે એ રીતે જ પીરસવામાં આવે એવું ખાવાનું તમારે ખાવાનું રહેશે અને કેદીઓ જે રીતે સમય વિતાવે એ જ કામ પણ કરવાનું. તમારી કોટડીમાં પણ એક ધાબળા સિવાય કંઈ જ નહીં મળે. આવા અતરંગી નિયમો હોવા છતાં લોકો અહીં જેલનો અનુભવ લેવા આવી રહ્યા છે.