25 October, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
એક શિક્ષિકાએ હમણાં અનોખો પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેણે તેના નાનકડા વિદ્યાર્થીઓને ભણવા વિશે સવાલ પૂછીને તેમના જવાબ મોબાઇલમાં રેકૉર્ડ કર્યા હતા. સોશ્યલ મીડિયા પર આ વિડિયો ભારે વાઇરલ થયો છે. વિડિયોમાં શિક્ષિકા પ્રાઇમરી સ્કૂલમાં તેના વિદ્યાર્થીઓને સવાલ પૂછે છે, ‘બોલો, જો આપણે ભણીશું નહીં તો શું થશે?’
શિક્ષિકાના આ સવાલના વિદ્યાર્થીઓએ એવા ગમ્મતભર્યા જવાબ આપ્યા કે સાંભળીને લોકોના ચહેરા પર મલકાટ આવી જાય એટલું જ નહીં, આ જવાબ આપતી વખતે વિદ્યાર્થીઓના ચહેરા પર રહેલા હાવભાવ જવાબને વધુ રસપ્રદ બનાવી દેતા હતા.
આખા વિડિયોનો સૌથી વિચિત્ર જવાબ આપનાર છોકરાએ કહ્યું, ‘ભણીશું નહીં તો દુબઈ નહીં જઈ શકીએ.’ હવે રામ જાણે તેને દુબઈનો વિચાર ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે, પણ ચોક્કસ તેને એવું સમજાઈ ગયું હશે કે સફળતાનો અર્થ દુબઈ જવું થતું હોવું જોઈએ અને એ માટે ભણવું જરૂરી છે. બીજા નંબરનો સૌથી વિચિત્ર જવાબ મળ્યો એક છોકરી તરફથી ઃ ‘ભણીશું નહીં તો મોટા જ નહીં થઈ શકીએ.’
એક બાળકીએ થોડો સમજદારીભર્યો જવાબ આપતાં કહ્યું હતું, ‘ભણીશું નહીં તો પૈસા નહીં કમાઈ શકીએ.’ ભણેશરી લાગતા એક બાળકે અદબ વાળીને કહ્યું, ‘ભણીશું નહીં તો ફેલ થઈશું, બીજું શું?’ આવો જ જવાબ બીજા એક છોકરાએ આપતાં કહ્યું, ‘ભણીશું નહીં તો બુદ્ધુ બની જઈશું.’ અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, ‘ડૉક્ટર નહીં બની શકીશું,’ ઘરમાં મમ્મીના કેરથી પરિચિત લાગતા એક છોકરાએ વળી એવું પણ કહ્યું કે ‘ભણીશું નહીં તો મમ્મી થપ્પડ મારશે.’