03 April, 2025 03:03 PM IST | Jhansi | Gujarati Mid-day Correspondent
એક માણસ રાજધાની એક્સપ્રેસમાં પોતાના ગોલ્ડન રિટ્રિવર ડૉગીને લઈને ચડવા જવાના પ્રયાસમાં ડૉગીનો જીવ જોખમમાં મૂકી દેતો
એક માણસ રાજધાની એક્સપ્રેસમાં પોતાના ગોલ્ડન રિટ્રિવર ડૉગીને લઈને ચડવા જવાના પ્રયાસમાં ડૉગીનો જીવ જોખમમાં મૂકી દેતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર તેજીથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના ઝાંસી રેલવે-સ્ટેશન પર બની હતી. રાજધાની એક્સપ્રેસ ટ્રેન જેવી ઊપડી રહી હતી એ જ વખતે એક વ્યક્તિ ગળે પટ્ટો બાંધેલા ડૉગીને લઈને દોડીને ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે. ચાલતી ટ્રેનથી ડરી ગયેલો ડૉગી હડબડાટ કરે છે અને એમાં એના ગળે બાંધેલો પટ્ટો છૂટી જાય છે અને ડૉગી ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેની જગ્યામાંથી સરકીને નીચે પડી જાય છે. ડૉગીનો માલિક અને પ્લૅટફૉર્મ પર હાજર ઘણા લોકો હાંફળાફાંફળા થઈને ડૉગીને બચાવવા શું થઈ શકે એ માટે દોડધામ કરી મૂકે છે. અલબત્ત, ત્યાં વિડિયો પૂરો થઈ જાય છે. એવું લાગી રહ્યું છે કે દોડતી ટ્રેનની વચ્ચે ડૉગી નહીં જ બચ્યો હોય, પરંતુ કેટલાક રિપોર્ટ્સ અનુસાર રેલવે-કર્મચારીઓએ તત્પરતા દેખાડીને ડૉગીને સહીસલાહમત બહાર કાઢીને માલિકને સોંપી દીધો હોવાનું કહેવાય છે. જોકે આ વિડિયો પછી ડૉગીના માલિક પર પ્રાણીપ્રેમીઓની પસ્તાળ પડી છે.