26 November, 2025 02:17 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
૬૫ વર્ષનાં શોભા દેવી
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં કળિયુગી દીકરાઓએ પોતાની જ માના શબને ઘરમાં લાવવાની ના પાડી અને મૉર્ગમાં મૂકી આવવા કહ્યું. ઘરમાં ૪ દિવસ પછી દીકરાના દીકરાનાં લગ્ન હતાં એટલે જો શબ ઘરમાં આવશે તો શુભ કામમાં વિઘ્ન આવશે એવી ચિંતા હતી. વાત એમ છે કે ૬૮ વર્ષના ભુઆન ગુપ્તા અને તેમનાં ૬૫ વર્ષનાં પત્ની શોભા દેવીને ૬ સંતાનો છે. ત્રણ દીકરાઓ અને ત્રણ દીકરીઓ. કરિણાયાની દુકાન ચલાવીને ૬ સંતાનોનું ભરણપોષણ કર્યું અને બધા થાળે પડી ગયાં એ પછી દીકરાઓએ મા-બાપને બોજ કહીને ઘરમાંથી નીકળી જવા કહ્યું. કેટલાય દિવસ આમતેમ ભટક્યા પછી જૌનપુરના એક વૃદ્ધાશ્રમમાં બન્નેનું રહેવાનું ઠેકાણું પડી ગયું. સંતાનોએ કદી માતા-પિતાના હાલચાલ જાણવાની કોશિશ પણ ન કરી. થોડા દિવસ પહેલાં પત્ની શોભા દેવીની તબિયત ખરાબ થઈ અને બન્ને કિડની ખરાબ થઈ ગઈ હોવાથી અંતિમ શ્વાસ લીધા. ભુઆન ગુપ્તાએ દીકરાને ફોન કરીને માના મૃત્યુની જાણ કરી તો મોટા દીકરાએ ૧૦ મિનિટ બાદ ફોન કરીને કહ્યું કે ઘરે મોટા ભાઈના દીકરાનાં લગ્ન હોવાથી હમણાં લાશ ન લાવશો, અપશુકન થશે; લાશ ફ્રીઝરમાં રખાવી દો, ૪ દિવસ પછી અંતિમ સંસ્કાર કરી દઈશું. વાતની ખબર દીકરીઓને પડી તો દીકરીઓએ માનું શબ ગામમાં લાવવા કહ્યું. ગ્રામીણ અને પંડિતોના કહેવાથી ઘાટ પર જ શબને દાટી દેવામાં આવ્યું જેથી લાશ સડે નહીં. પંડિતના કહેવા મુજબ ઘરમાં લગ્નપ્રસંગ પતશે પછી અગ્નિસંસ્કાર થશે.