પતિએ પોલીસમાં કરી ફરિયાદ પત્ની કાળિયો કહીને મને ઉતારી પાડે છે

29 May, 2026 10:31 AM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

કમલ કિશોરનું કહેવું હતું કે તેની પત્ની હંમેશાં મોંઘી અને પહોંચની બહાર હોય એવી ચીજોની જ ડિમાન્ડ કરે છે

કમલ કિશોર અને તેની વહુ

ઘરેલુ હિંસા અને સતામણીના કેસમાં માત્ર સ્ત્રીઓ હેરાનગતિ અનુભવે છે એવું નથી. કેટલીક  સ્થિતિમાં ઘણી વાર પુરુષોની પીડા પણ કંઈ ઓછી નથી હોતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના એક ગામમાં રહેતા કમલ કિશોર અને તેની મમ્મી વહુની સતામણી સામે ફરિયાદ કરવા માટે પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં. કમલ કિશોરનું કહેવું હતું કે તેની પત્ની હંમેશાં મોંઘી અને પહોંચની બહાર હોય એવી ચીજોની જ ડિમાન્ડ કરે છે; તે આઇફોન, ઍર-કન્ડિશનર અને કારની ડિમાન્ડ કરે છે. જ્યારે તે આ બધું લાવી શકે એટલી મજબૂત આર્થિક સ્થિતિ નથી એવું કહે છે ત્યારે પત્ની કમલને કાળિયો કહે છે. તેનો ત્વચાનો વર્ણ કાળો છે એને કારણે તે આએદિન કાળિયા-કાળિયા કહીને સંભળાવે છે. કમલ અને તેની પત્ની લતેશનાં લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં છે. લગ્ન પછી તે પતિના કાળા રંગ માટે મજાક ઉડાવતી થઈ ગઈ. મોંઘી ડિમાન્ડ પૂરી ન થાય તો ઝઘડો કરે છે અને જાતને જ ટૉર્ચર કરીને ધમકી આપે છે કે તે આત્મહત્યા કરી લેશે અથવા તો ઘરેલુ હિંસાનો કેસ ઠોકી દેશે. વહુના આતંકથી પરેશાન પતિ અને સાસુએ પોલીસની મદદ માગી છે.

madhya pradesh offbeat news national news news