26 March, 2025 03:56 PM IST | Gwalior | Gujarati Mid-day Correspondent
ગ્વાલિયરમાં અડધી રાતે કોઈક ડોરબેલ વગાડીને ગાયબ થઈ જાય છે
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રાજા કી મંડી વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પહેલાં આ વિસ્તારમાં રખડતાં પ્રાણીઓને લીધે હેરાનગતિ થતી હતી, પરંતુ હવે રાતે કોઈક વ્યક્તિ ઘંટડી વગાડીને ગાયબ થઈ જાય છે. પહેલાં તો લોકોને લાગતું હતું કે આ કોઈ ભૂતપ્રેતનો મામલો છે, પરંતુ જ્યારે આએદિન આવું થવા લાગ્યું એટલે તેમણે પોલીસ-ફરિયાદ કરી. અનેક લોકોએ પોતાના ઘરની બહાર CCTV કૅમેરા બેસાડ્યા છે.
પોલીસે એનાં ફુટેજની તપાસ કરી તો એમાં એક વ્યક્તિ ઓઢણી ઓઢીને ધીમા પગલે આવે છે અને વારાફરતી ઘરના દરવાજાની ઘંટી વગાડીને ગાયબ થઈ જાય છે. કેટલીય વાર લોકોએ ડોરબેલ વગાડનારને પકડવા માટે રાતે જાગવાનું શરૂ કર્યું તો એ દિવસે કોઈ નથી આવતું, પણ જ્યારે બધા સૂઈ જાય ત્યારે જ રહસ્યમય રીતે ઘંટડી વાગે છે. હજી સુધી કોઈએ ઘંટડી વગાડનાર વ્યક્તિને જોઈ નથી, પણ CCTV કૅમેરાનાં ફુટેજમાં જે રીતે કોઈ પડછાયો દેખાય છે એ કોઈ મહિલાનો જ હોય એવું લાગી રહ્યું છે.