એક સરકારી ફોનકૉલે બે ભાઈઓના ૩૫ વર્ષના વિયોગનો આણ્યો અંત

07 September, 2026 09:43 AM IST  |  Jind | Gujarati Mid-day Correspondent

૩૫ વર્ષ પછી બન્ને ભાઈઓ સામસામે આવ્યા ત્યારે સીતારામે ભાઈના ચરણસ્પર્શ કર્યા અને બન્ને એકબીજાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા

બન્ને ભાઈઓ એક જ મોપેડ પર બેસીને પોતાના ઘરે જવા રવાના થયા હતા

સરકારી દસ્તાવેજની ચકાસણી જેવું નીરસ અને કાગળિયું કામ પણ ક્યારેક કોઈના જીવનમાં મોટો ચમત્કાર સર્જી શકે એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હરિયાણાના જીંદ જિલ્લાના મનોહરપુર ગામમાંથી એક અત્યંત ભાવુક અને ફિલ્મી કહી શકાય એવી ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીપંચની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ અને એક ફોનકૉલે ૩૫ વર્ષથી વિખૂટા પડી ગયેલા બે સગા ભાઈઓનું મિલન કરાવ્યું છે.

દિવ્યાંગ સીતારામ બાળપણમાં જ ઘર છોડીને પંજાબ જતો રહ્યો હતો. ત્યાં તેણે એક ખાનગી સ્કૂલમાં પટાવાળા તરીકે શરૂઆત કરી હતી અને પછી મહેનત કરીને હાલમાં જ તેણે પંજાબ સરકારમાં ગ્રુપ-Dની સરકારી નોકરી મેળવી છે. ચૂંટણીકાર્ડ અને મતદારયાદીની ચકાસણી માટે તેને પોતાની જૂની સ્કૂલના લીવિંગ સર્ટિફિકેટની જરૂર હતી એટલે તે ૩૫ વર્ષ બાદ પોતાના વતન મનોહરપુર ગામની સરકારી સ્કૂલમાં પહોંચ્યો હતો.

સ્કૂલમાં હાજર બૂથ લેવલ ઑફિસર (BLO)એ જ્યારે સીતારામ પાસેથી તેના પરિવારની વિગતો માગી ત્યારે તેણે પોતાના ભાઈ ક્રિષ્નાનો ઉલ્લેખ કર્યો. BLOને આ નામ સાંભળીને લાગ્યું કે તે ક્રિષ્નાને ઓળખે છે. BLOએ ખાતરી કરવા ક્રિષ્નાને ફોન કર્યો. ક્રિષ્નાએ BLOને કહ્યું કે હા, તે મારો ભાઈ જ છે; ૩૫ વર્ષથી હું તેને શોધી રહ્યો છું; તેને કહે હું હમણાં જ આવું છું.

ક્રિષ્ના દોડતો સ્કૂલે પહોંચ્યો. ૩૫ વર્ષ પછી બન્ને ભાઈઓ સામસામે આવ્યા ત્યારે સીતારામે ભાઈના ચરણસ્પર્શ કર્યા અને બન્ને એકબીજાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. આ અદ્ભુત અને ભાવુક દૃશ્ય જોઈને સ્કૂલનો આખો સ્ટાફ અને ગામલોકો પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહીં. પછી બન્ને ભાઈઓ એક જ મોપેડ પર બેસીને પોતાના ઘરે જવા રવાના થયા હતા. 

haryana offbeat news national news news