24 January, 2026 02:54 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પતિ-પત્ની
બિહારના સમસ્તીપુર જિલ્લાના ઉજિયારપુર ગામમાં પતિ-પત્નીના પ્રેમની દિલને સ્પર્શી જાય એવી ઘટના સામે આવી છે. ૯૫ વર્ષના યુગેશ્વર રાયનું નિધન થયું હતું. દાદા લીલી વાડી છોડીને ગયા હતા, પરંતુ તેમનાં ૯૦ વર્ષનાં પત્ની તેતરીદેવી માટે આ બહુ મોટો આઘાત હતો. પરિવારજનો દાદાના અંતિમ સંસ્કારની તૈયારીઓમાં લાગ્યા હતા અને દાદી પતિના શબ પાસે બેસીને રડી રહ્યાં હતાં. જોકે દાદી પતિનું નામ મોટે-મોટેથી બોલીને એટલું રડ્યાં કે બેભાન થઈ ગયાં. પરિવારજનોને થયું કે કદાચ આઘાતને કારણે ચક્કર આવી ગયાં હશે, પરંતુ ડૉક્ટરને બોલાવતાં ખબર પડી કે દાદીએ પણ પ્રાણ ત્યાગી દીધા છે. પતિની અર્થી ઊઠે એ પહેલાં જ પત્નીએ પણ દમ તોડી દેતાં બન્નેની એકસાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.