યુટ્યુબ પરથી જોઈને ૫૦૦ રૂપિયાની નકલી નોટો છાપતું દંપતી પકડાયું

18 June, 2026 11:34 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

વિડિયો જોઈને દંપતીએ ઑનલાઇન જ ઇન્કજેટ પ્રિન્ટર, બૉન્ડ પેપર અને અન્ય સામાન ખરીદ્યા હતા અને ઘરમાં જ નકલી નોટો પ્રિન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું

૩૮ વર્ષનો બેજાવાડા રાજુ અને ૨૬ વર્ષની પત્ની દુર્ગા પાવનીને પોલીસે પકડી લીધાં છે

હૈદરાબાદમાં નકલી નોટ છાપવાના એક રૅકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ૩૮ વર્ષનો બેજાવાડા રાજુ અને ૨૬ વર્ષની પત્ની દુર્ગા પાવનીને પોલીસે પકડી લીધાં છે. પોલીસને તેમની પાસેથી નકલી નોટનું એક પ્રિન્ટર-સ્કૅનર, કાગળનો સ્ટૉક અને ૫૦૦ રૂપિયાની નોટ છાપવા માટેનો અન્ય સામાન પણ મળ્યો હતો. આરોપીઓએ યુટ્યુબ પર વિડિયો જોઈને નકલી નોટ છાપવાનો પોતાનો ધંધો શરૂ કર્યો હતો. વિડિયો જોઈને દંપતીએ ઑનલાઇન જ ઇન્કજેટ પ્રિન્ટર, બૉન્ડ પેપર અને અન્ય સામાન ખરીદ્યા હતા અને ઘરમાં જ નકલી નોટો પ્રિન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. જાડા બૉન્ડ પેપર પર ૫૦૦ રૂપિયાની નોટની સાઇઝનું જ પ્રિન્ટિંગ કરીને સ્ટીલની રૂલર અને કટર દ્વારા કાપીને અસલી જેવી જ દેખાતી નોટ બનાવતા હતા. તેઓ આ નોટ ભીડવાળી દુકાનો અને રવિવારી માર્કેટમાં વાપરતા હતા, કેમ કે અહીં ઝડપથી પૈસા લઈને છૂટા આપવામાં આવતા હતા અને કોઈ અસલી કે નકલીની પરખ કરવા માટે રોકાતું નહોતું. ખાસ કરીને વૃદ્ધ દુકાનદારોને આ ટોળકીએ ટાર્ગેટ બનાવી હતી. 

hyderabad offbeat news national news news