01 July, 2025 12:24 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગુડ્ડુ ખાનના ઘરે જઈ પહોંચી હતી અને તેમને ખુરસી પર બેસાડીને તેમના હાથ-પગ બાંધી દીધા હતા
ઉત્તર પ્રદેશના મહારાજ ગંજ જિલ્લાના નૌતનવા ગામમાં ગરમી જાય અને જલદી વરસાદ આવે એ માટે મનોકામના કરવાની અનોખી પરંપરા નિભાવાઈ હતી. ગામની કેટલીક મહિલાઓ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગુડ્ડુ ખાનના ઘરે જઈ પહોંચી હતી અને તેમને ખુરસી પર બેસાડીને તેમના હાથ-પગ બાંધી દીધા હતા. એ પછી કજરી ગીતો ગાતાં-ગાતાં ગુડ્ડુ ખાનને કાદવથી નવડાવ્યા. થોડો નહીં, ચાર બાલદી ભરીને કાદવ તેમણે નેતા પર ઠાલવી દીધો હતો. પહેલાં ખુરસી પર બેસાડીને અને પછી જમીન પર સુવડાવીને પણ એ જ કામ કર્યું. આ ઘટનાનો વિડિયો જોઈએ તો એમ લાગે કે મહિલાઓ નારાજ થઈને નેતાને સજા આપી રહી છે, પણ એવું જરાય નથી. આ તો અહીંની પરંપરા છે જે વરસાદ સાથે સંકળાયેલી છે. ૧૫ વર્ષથી આ પરંપરા ચાલે છે. આ પરંપરા મુજબ જો તેમના ક્ષેત્રમાં સમયસર વરસાદ ન પડે તો અહીંના સૌથી જાણીતા, પ્રતિષ્ઠિત અને લાડીલા માણસને કાદવથી નવડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે એનાથી ઇન્દ્રદેવ ખુશ થાય છે અને વરસાદ પડવા માંડે છે. ગુડ્ડુ ખાન ૧૦ વર્ષ સુધી નગરપાલિકાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને એ ન્યાયે ગામના મુખિયા કહેવાય. મહિલાઓનું કહેવું છે કે આ કંઈ તેમણે શરૂ કરેલી પરંપરા નથી. રાજા-મહારાજાઓના સમયમાં પણ આવું જ થતું હતું. આ જ કારણસર જ્યારે ગુડ્ડૂભાઈને બાંધીને બેસાડવામાં આવે છે ત્યારે તેઓ પણ ખુશી-ખુશી એ માટે તૈયાર થઈ જાય છે.