03 December, 2024 03:21 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આને કાયદાનું પાલન કર્યું કહેવાય કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું કહેવાય એવો મૂંઝવતો પ્રશ્ન જપાનના લોકો એકબીજાને પૂછી રહ્યા છે. વાત એમ છે કે પૂર્વ ટોક્યોના ચિબા પ્રાંતમાં ૧૭ વર્ષની અજાણી છોકરીએ ૩૧ ઑગસ્ટે એક શૉપિંગ કૉમ્પ્લેક્સના બારમા માળેથી ઝંપલાવ્યું હતું. અઢી મીટરનો કાચ તોડીને એ છોકરી નીચે પડી હતી. એ વખતે ત્યાંથી ૩૨ વર્ષની ચિકાકો ચિબા નામની ૩૨ વર્ષની મહિલા તેની ત્રણ બહેનપણીઓ સાથે ત્યાંથી જઈ રહી હતી ત્યારે આત્મહત્યા કરનાર છોકરી આ ચિકાકો પર પડી. ૧૭ વર્ષની છોકરી તો ત્યાં જ મરી ગઈ અને ચિકાકોનું સાંજે મૃત્યુ થયું. આ આપઘાત, અકસ્માત અને દુર્ઘટના તો થઈ ગઈ, પણ પોલીસ હવે નવું લઈ આવી છે. પોલીસે ચિકાકોના મૃત્યુ માટે જવાબદાર ગણીને આપઘાત કરનાર છોકરી સામે ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે. એ માટે પોલીસે એવો તર્ક કાઢ્યો છે કે છોકરી એટલી તો સમજદાર હતી કે પોતે જે કર્યું (એટલે કે બારમા માળેથી કૂદીને આપઘાત) એનાથી રસ્તા પર જઈ રહેલા બીજા લોકોને નુકસાન થશે. આ નિર્ણય સામે જપાનના સોશ્યલ મીડિયામાં લોકોએ પોલીસને ગાળો ભાંડી છે. મોટા ભાગના લોકોએ કહ્યું કે મરી ગયેલી છોકરી સામે અન્ય યુવતીના મૃત્યુની ફરિયાદ નોંધવી એ સરકારની મૂર્ખતા અને બાબુઓની જડ માનસિકતા દર્શાવે છે. ટોક્યોસ્થિત ક્રિમિનલ જસ્ટિસ ફ્યુચર થિન્ક ટૅન્કના સંસ્થાપક શિનિચી ઇશિજુકાનું કહેવું છે કે છોકરી જીવતી હોત તો તેની સામે બેદરકારીને કારણે મૃત્યુનો આરોપ લગાવ્યો હોત તો ઠીક હતું, પણ હવે એ છોકરી જ નથી રહી તો ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી; પણ હા, તપાસ કર્યા પછી અને આ આરોપ સામે આવે તો ચિકાકોના પરિવારને ક્લેમ કરવામાં સરળતા થઈ શકશે.