ગ્રૅન્ડપા ગૅન્ગ : જેલમાં મળેલા ૬૯થી ૮૮ વર્ષના ત્રણ દાદાઓની ગૅન્ગ કરે છે ચોરી

27 July, 2024 11:37 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

મે મહિનામાં તેમણે એક ખાલી ઘરમાં ૧૦૦ રૂપિયાની ચોરી અને પાંચ હજારની વ્હિસ્કી ચોરી હતી.

ગ્રૅન્ડપા ગૅન્ગ

જપાનમાં કંઈક અલગ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી ડેવલપ થઈ રહી છે. અહીં દાદાની ઉંમરના ત્રણ જણે ભેગા મળીને ચોરી કરવાનું શરૂ કર્યું છે. ૬૯ વર્ષના કેનિચી, ૮૮ વર્ષના હિડેઓ અને ૭૦ વર્ષના હેડિમીએ પોતાની ટોળકી બનાવી છે જેને કોડ-નેમ આપ્યું છે ‘G3S’. જૅપનીઝ ભાષામાં એને મજાકમાં ગ્રૅન્ડપા કહેવાય છે. આ ત્રણ જણ વચ્ચે દોસ્તી અને ઓળખાણ જેલમાં થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ત્રણેય ભાઈબંધો ધીમે-ધીમે નાની-મોટી ચોરી કરવા લાગ્યા હતા. મે મહિનામાં તેમણે એક ખાલી ઘરમાં ૧૦૦ રૂપિયાની ચોરી અને પાંચ હજારની વ્હિસ્કી ચોરી હતી. એ પછીના મહિને તેમણે પાંચ લાખનાં ઘરેણાંની ચોરી કરી અને એ પછી એથીયે વધુ મોટી ચોરી કરી હતી. તેમની ઉંમરને કારણે દરેક વખતે તેઓ પોલીસના હાથમાંથી છટકી જતા હતા. જોકે ચોરેલી ચીજો વેચવા જતી વખતે સેકન્ડહૅન્ડ ગૅરેજ સેલવાળા દુકાનદારને તેમના પર શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ ત્રિપુટી લોકોના ઘરેથી નાની-મોટી ચોરી કરે છે અને સૌથી મોટી વયના ૮૮ વર્ષના દાદા જ આ ચોરીઓનું નેતૃત્વ કરતા આવ્યા છે. પકડાઈ ગયા પછી તેમનું કહેવું હતું કે તેમની પાસે કોઈ કામ નથી ત્યારે જીવનનિર્વાહ માટે તેમણે ચોરીનો રસ્તો પકડ્યો હતો.

japan Crime News offbeat news tokyo international news