રીલ બનાવવાની ઘેલછામાં ૩૦ ફુટ ઊંચેથી ડૅમમાં મારી છલાંગ, પણ પાણી ઓછું હોવાથી ટાંટિયા ભાંગ્યા

08 September, 2026 10:48 AM IST  |  Jhansi | Gujarati Mid-day Correspondent

યુવકને લાગ્યું કે નીચે પાણી ઊંડું હશે, પરંતુ કમનસીબે પાણીનું સ્તર ખૂબ ઓછું હતું અને તળિયે કાળમીંઢ પથ્થરો હતા

આ યુવક ૩૦ ફુટની ઊંચાઈએથી સીધો પથ્થરો પર ખાબકતાં જ તેના બન્ને પગનાં હાડકાં ભાંગીને ભુક્કો થઈ ગયાં હતાં

સોશ્યલ મીડિયા પર ફેમસ થવા અને લાઇક્સ-વ્યુઝ મેળવવા માટે આજકાલનો યુવાવર્ગ પોતાના જીવનું જોખમ ખેડતાં પણ અચકાતો નથી. ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી વાઇરલ રીલ બનાવવાની ઘેલછાનો એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૩૦ ફુટ ઊંચાઈ પરથી ડૅમમાં કૂદકો મારનારા યુવકના બન્ને પગ પથ્થર સાથે પટકાતાં એમાં ફ્રૅક્ચર થઈ ગયાં છે.

ઝાંસીના પહુજ ડૅમ ખાતે ૩૨ વર્ષનો પુષ્પેન્દ્ર કુમાર પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો. મિત્રો મોબાઇલથી વિડિયો શૂટ કરી રહ્યા હતા અને હસી-મજાક કરી રહ્યા હતા. વિડિયોમાં મિત્રો મજાકમાં ભગવાન તારા આત્માને શાંતિ આપે એવું બોલતા સંભળાય છે અને તરત જ પુષ્પેન્દ્ર સુરક્ષા માટે લગાવેલી રેલિંગ કૂદીને ડૅમના વ્યુપૉઇન્ટ પરથી ૩૦ ફુટ નીચે ઊંધી છલાંગ લગાવી દે છે.

યુવકને લાગ્યું કે નીચે પાણી ઊંડું હશે, પરંતુ કમનસીબે પાણીનું સ્તર ખૂબ ઓછું હતું અને તળિયે કાળમીંઢ પથ્થરો હતા. આ યુવક ૩૦ ફુટની ઊંચાઈએથી સીધો પથ્થરો પર ખાબકતાં જ તેના બન્ને પગનાં હાડકાં ભાંગીને ભુક્કો થઈ ગયાં હતાં અને તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. માંડ-માંડ તરીને તે લોખંડના સળિયા સુધી પહોંચ્યો હતો અને આસપાસના લોકોએ અંતે તેને ડૅમમાંથી બહાર કાઢ્યો હતો.

હાલ તેને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં તેના એક પગમાં ઑપરેશન કરીને તબીબોએ લોખંડના બે રૉડ નાખ્યા છે, જ્યારે બીજા પગનું ઑપરેશન હજી બાકી છે. હૉસ્પિટલના બિછાનેથી દર્દથી કણસતા પુષ્પેન્દ્રએ પોતાની મૂર્ખાઈ સ્વીકારતાં રડતાં-રડતાં કહ્યું કે ‘હું અગાઉ પણ સ્ટન્ટ કરી ચૂક્યો હતો એટલે ઓવર-કૉન્ફિડન્સમાં હતો. રીલના ચક્કરમાં મારી આ ભૂલે મને હૉસ્પિટલના બિછાને પહોંચાડી દીધો. હવે જિંદગીમાં ક્યારેય આવો સ્ટન્ટ નહીં કરું.’ 

Jhansi offbeat news national news news social media viral videos