૪૦ લાખ રૂપિયાના ભરણપોષણ સામે અપીલ કરી તો હાઈ કોર્ટે ૭૦ લાખ આપવાનું કહ્યું

20 May, 2026 12:14 PM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

કોર્ટે નોંધ્યું કે પત્ની પાસે ભરણપોષણ સિવાય આવકનો બીજો કોઈ સ્રોત નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રાંચીની ફૅમિલી કોર્ટે ૨૦૨૪માં લગ્નવિચ્છેદના કેસમાં પતિને પત્નીને એકસામટા ૪૦ લાખ રૂપિયા કાયમી ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બન્ને પક્ષે હાઈ કોર્ટમાં અપીલ કરી. પત્નીનો દાવો હતો કે પતિની આવક અને સંપત્તિ જોતાં ૪૦ લાખની રકમ ખૂબ ઓછી છે અને તે આર્થિક રીતે પતિ પર નિર્ભર છે. સામે પતિએ દલીલ કરી કે ભરણપોષણની રકમ વધુ પડતી છે.

ઝારખંડ હાઈ કોર્ટના જસ્ટિસ સુજિત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ સંજય પ્રસાદે ૧૨ મેના આદેશમાં સ્પષ્ટ કર્યું કે ભરણપોષણનો હેતુ પત્નીને વાજબી આરામથી જીવવા દેવાનો છે અને લગ્ન તૂટ્યા પછી તેને આર્થિક લાચારીમાં ધકેલી શકાય નહીં. કોર્ટે નોંધ્યું કે પત્ની પાસે ભરણપોષણ સિવાય આવકનો બીજો કોઈ સ્રોત નથી. પતિની નાણાકીય ક્ષમતા અને પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવાના હકને ધ્યાનમાં રાખીને કોર્ટે એકસામટી ૭૦ લાખની રકમ વાજબી, ન્યાયી અને યોગ્ય ગણાવી હતી. આમ ૪૦ લાખ સામે અપીલ કરનાર પતિને હાઈ કોર્ટે ઊલટાના ૭૦ લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

jharkhand ranchi offbeat news national news news