03 April, 2026 12:35 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
આ ષડયંત્રમાં છોકરીની માતા પણ સામેલ હતી
ઝારખંડના હજારીબાગમાં વિષ્ણુગઢ ક્ષેત્રના કુસુમ્ભા ગામમાં ૧૩ વર્ષની એક છોકરીની હત્યા અને એ હત્યા પાછળના કારણે લોકોને હચમચાવી નાખ્યા હતા. પોલીસે આ ઘટનાની તપાસમાં જે ખુલાસો કર્યો છે એ કોઈ સાધારણ હત્યાનો નહીં, અંધવિશ્વાસ અને બલિનો મામલો હતો. આ ષડયંત્રમાં છોકરીની માતા પણ સામેલ હતી. ૨૪ માર્ચે રાતે જ્યારે ગામમાં એક ધાર્મિક સરઘસ નીકળ્યું ત્યારે રેશમીદેવી નામની મહિલાની ૧૩ વર્ષની દીકરી લાપતા થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે ગામમાં મિડલી સ્કૂલની પાછળ વાંસની ઝાડીઓમાં તેનું શબ મળી આવ્યું હતું. રેશમીદેવીએ પોતે જ પોલીસમાં જઈને દીકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી અને અન્ય લોકો પર શંકા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે એક તપાસસમિતિ નીમીને ઊલટતપાસ કરતાં હકીકત બહાર આવી હતી. ગામમાં રહેતી શાંતિદેવી ઉર્ફે ભગતાણી જે તંત્ર-મંત્ર અને ઝાડ-ફૂંક કરતી હતી તેણે રેશમીદેવીને પોતાની જાળમાં ફસાવી હતી. ભગતાણીએ રેશમીદેવીને કહ્યું હતું કે જો તે કુંવારી દીકરીનો બલિ આપશે તો જ તેના દીકરાની બીમારી અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન સંભવ છે.