25 February, 2026 12:13 PM IST | Jalandhar | Gujarati Mid-day Correspondent
આ ટ્રૅક્ટર એક ખંડિયેર જેવા મકાનમાં હતું અને લગભગ ૧૦૫ વર્ષ જૂનું હતું
પંજાબના જાલંધરમાં એક ભંગારમાં પડેલું ટ્રૅક્ટર સવા કરોડ રૂપિયામાં વેચાયું છે. આ ટ્રૅક્ટર એક ખંડિયેર જેવા મકાનમાં હતું અને લગભગ ૧૦૫ વર્ષ જૂનું હતું. આટલું જૂનું હોવાથી એ ચાલવાની કન્ડિશનમાં ન હોય એ સ્વાભાવિક છે. જોકે એમ છતાં એની કિંમત કરોડમાં અંકાઈ હતી. ૧૯૨૧ની સાલમાં જર્મનીમાં બનેલું આ ટ્રૅક્ટર નવાસવા શોધાયેલા ટ્રૅક્ટરના યુગની યાદ અપાવે એવું હતું. એને સ્ટાર્ટ કરવા માટે એન્જિનને પહેલાં બહારથી ગરમ કરવું પડતું હતું અને એ ખેતરમાં હળ ચલાવવાના કામ ઉપરાંત ચક્કી ચલાવવા માટે પણ વપરાતું હતું. આ જૂના સોનાને પહેલાં મુંબઈની એક કંપનીએ જોયું અને એને માટે બે લાખ રૂપિયાની ઑફર આપી. જોકે એ પછી માલિકને થયું કે આમાં ખરેખર કંઈક નવું હશે તો જ એને માટે કોઈ મોટી કંપની બે લાખ રૂપિયા આપવા માગે છે. તેણે થોડો સ્ટડી કર્યો. એ દરમ્યાન મુંબઈની કંપનીએ બોલી વધારીને ૨૮ લાખ રૂપિયા કરી દીધી એટલે માલિકે એ વેચવાનો ઇનકાર કરી દીધો. આ ટ્રૅક્ટરની ખાસિયત જાણીને એના માલિકે વિદેશમાં એને વેચવા કાઢ્યું અને વિદેશી કંપનીએ ૧.૨૫ કરોડ રૂપિયા આપીને એને ખરીદી લીધું. હવે એને અમેરિકાના કૅલિફૉર્નિયામાં આવેલા મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.