11 July, 2025 01:20 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
શાલિની પાંડે નામની કાનપુરની યુવતીનો આવો જ એક ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો
રીલ બનાવવાનો ક્રેઝ ફક્ત યુવાનો પૂરતો મર્યાદિત નથી; હવે મધ્યમ વયના લોકો પણ લાઇક્સ, વ્યુઝ અને કમેન્ટ્સ મેળવવા માટે હદ વટાવી રહ્યા છે. શાલિની પાંડે નામની કાનપુરની યુવતીનો આવો જ એક ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો છે જેમાં તે ઇન્સ્ટાગ્રામ રીલ માટે હાઇવે પર હાથમાં બંદૂક લઈને નાચતી જોવા મળી રહી છે. આ રીલને તેણે તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કરી છે. વિડિયોમાં લીલી સાડી પહેરેલી આ યુવતી હાઇવેની વચ્ચે બંદૂક લહેરાવતી અને બુંદેલખંડી ગીત પર નાચતી જોઈ શકાય છે.
આ વિડિયો અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવ્યો છે. આ યુવતી રસ્તા પર હથિયાર બતાવી રહી હોવાથી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ રીલની નોંધ લીધી છે અને યુવતી સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પોલીસે કહ્યું હતું કે યુવતી કાનપુરની રહેવાસી છે અને કાનપુર નગર જિલ્લા વિસ્તારમાં આ વિડિયો બનાવ્યો હોવાથી કાનપુર નગર પોલીસને જાણ કરવામાં આવી છે.
શાલિની પાંડે @salinipanday60 હૅન્ડલથી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચલાવે છે. તેને ૬૦,૦૦૦થી વધુ લોકો ફૉલો કરે છે. યુવતીએ પોતે તેના વિડિયોમાં દાવો કર્યો છે કે આ રીલ કાનપુર-દિલ્હી હાઇવે પર ક્યાંક શૂટ કરવામાં આવી છે.