સસરાના મોત પર ધ્રુસકે-ધ્રુસકે રડનારી પુત્રવધૂએ જ આપી હતી તેમના મર્ડરની સોપારી

09 September, 2026 09:54 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

પોલીસ-તપાસમાં બહાર આવ્યું કે કરોડોની સંપત્તિ હોવા છતાં વિનીત મિનોચા પરિવારના ખર્ચ પર ભારે નિયંત્રણ રાખતા હતા

આ હત્યાની માસ્ટરમાઇન્ડ તેમની પોતાની પુત્રવધૂ

કાનપુરના દવાના કરોડપતિ વેપારી વિનીત મિનોચા હત્યાકાંડનો પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. આ હત્યાની માસ્ટરમાઇન્ડ તેમની પોતાની પુત્રવધૂ શાલુ જ નીકળી. સસરાના મોત બાદ કૅમેરા સામે ધ્રુસકે-ધ્રુસકે રડવાનો ઢોંગ કરનારી શાલુને પોલીસે હવે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

પોલીસ-તપાસમાં બહાર આવ્યું કે કરોડોની સંપત્તિ હોવા છતાં વિનીત મિનોચા પરિવારના ખર્ચ પર ભારે નિયંત્રણ રાખતા હતા. પોતાની સ્વતંત્રતા અને ખર્ચ પર થતી રોકટોકથી કંટાળીને શાલુએ સસરાને રસ્તા પરથી હટાવવાનું ભયાનક કાવતરું ઘડ્યું હતું. તેણે ૬ વર્ષ પહેલાં ચોરીના આરોપસર નોકરીમાંથી કાઢી મુકાયેલા ભૂતપૂર્વ નોકર વિશાલ અને તેના સાગરીતને ૬ લાખ રૂપિયામાં સોપારી આપી હતી.

વિનીત મિનોચા

શાલુએ આપેલી ડુપ્લિકેટ ચાવીની મદદથી બન્ને હત્યારાઓ ફ્લૅટમાં ઘૂસ્યા હતા અને સવા કલાક સુધી અંદર છુપાઈ રહ્યા હતા. રાત્રે વિનીત મિનોચા ઘરે આવ્યા ત્યારે તેમના પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘરમાંથી કોઈ કીમતી સામાન ચોરાયો ન હોવાથી પોલીસની શંકા પરિવાર પર હતી. ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને કૉલ-ડીટેલ્સની ઝીણવટીભરી તપાસ બાદ પુત્રવધૂ શાલુનો ભાંડો ફૂટી ગયો હતો. 

kanpur murder case Crime News offbeat news national news news