23 August, 2025 09:20 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
જપાનમાં લોકો પૂંછડી પહેરતા થશે; ફૅશન માટે નહીં, સંતુલન માટે
જપાનની કેઇઓ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ આર્કી નામની પહેરી શકાય એવી પૂંછડી તૈયાર કરી છે. એ લગભગ એક મીટર લાંબી છે અને એમાં હવા ભરીને ફુલાવેલી હોય છે. આ પૂંછડીમાં ચાર નકલી મસલ્સ પણ લગાવેલા છે. એ પૂંછડીને કમર પર પહેરી લેવાથી બૅલૅન્સ જળવાઈ રહે છે. મોટી ઉંમરે જ્યારે વડીલોને ઊભા રહેવામાં અને સંતુલન જાળવીને ચાલવામાં તકલીફ પડતી હોય ત્યારે આ પૂંછડી કામ આવે છે. વ્યક્તિ એક તરફ ઢળી પડે તો આ પૂંછડીના આર્ટિફિશ્યલ મસલ્સ વિરુદ્ધ દિશામાં સ્વિંગ થઈને શરીરને સંતુલિત કરી શકે છે. આ પૂંછડીનો પ્રયોગ જેઓ સંતુલન નથી જાળવી શકતા એવા વૃદ્ધો માટે તો છે જ, પણ વર્ચ્યુઅલ રિયલિટી ગેમ રમતા લોકો તેમ જ વેરહાઉસમાં ઊંચે ચડીને કામ કરતા વર્કરો માટે પણ એ કામની છે.
જૅપનીઝ નિષ્ણાતોનું માનવું છે કે માણસને પહેલાં પૂંછડી હતી જ, જે ધીમે-ધીમે નાની થઈને અદૃશ્ય થઈ ગઈ હતી. પગના મસલ્સ જ્યારે નબળા પડી જાય ત્યારે આવી નકલી પૂંછડીથી અનેક લોકો લાકડી વિના ચાલતા થઈ જાય એવી સંભાવનાઓ છે.