07 September, 2026 09:57 AM IST | Alappuzha | Gujarati Mid-day Correspondent
આ અદ્ભુત ટૅલન્ટનાં સોશ્યલ મીડિયા પર લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે
નાનપણમાં જોયેલું રિમોટ કન્ટ્રોલ્ડ કારનું એક રમકડું માણસને કેવા અદ્ભુત સાહસ તરફ દોરી જઈ શકે એનો એક પ્રેરણાદાયી કિસ્સો કેરલમના અલાપુઝામાંથી સામે આવ્યો છે. અહીંના ૨૪ વર્ષના ઑટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી અરોમલ ઉન્નીએ સતત ૪ વર્ષની સખત મહેનત અને ૧૩ લાખ રૂપિયાના ખર્ચે પોતાના ઘરના આંગણામાં જ આબેહૂબ અસલી જેવી લમ્બોર્ગિની સુપરકારની રેપ્લિકા બનાવી છે.
અરોમલ દસમા ધોરણની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે તેણે એક દુકાનમાં લમ્બોર્ગિનીનું રમકડું જોયું હતું. આ ડિઝાઇને તેના મન પર એવી છાપ છોડી કે તેણે મન બનાવી લીધું કે એક દિવસ તે પોતાની કાર જાતે બનાવશે. આ પહેલાં તેણે ડિજિટલ રિમોટ કન્ટ્રોલ અને મોબાઇલની મદદથી ચાલતી જીપ પણ બનાવી હતી, પણ તેનું અસલી સપનું સુપરકાર બનાવવાનું હતું.
આ કારમાં ફોર્ડ આઇકન કારનું ૧.૩ લીટરનું પેટ્રોલ એન્જિન વાપરવામાં આવ્યું છે. સુપરકારને સ્પોર્ટી લુક આપવા માટે તેણે ૩D પ્રિન્ટિંગ, ફાઇબર ગ્લાસ બૉડી અને ખાસ લૅમિનેટેડ ગ્લાસ વિન્ડસ્ક્રીનનો ઉપયોગ કરીને આખી બૉડી પોતાના હાથે ફૅબ્રિકેટ કરી છે.
ભારતીય મોટર વ્હીકલ ઍક્ટના નિયમોને કારણે મૉડિફાઇડ કે જાતે બનાવેલી કારને જાહેર રસ્તા પર ચલાવવાની મંજૂરી નથી એ જાણતો હોવા છતાં અરોમલ બિલકુલ નિરાશ નથી. તે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં જ આ કાર ચલાવે છે અને એને જોવા માટે દૂર-દૂરથી લોકો તેના ઘરે ભીડ જમાવી રહ્યા છે. તેની આ અદ્ભુત ટૅલન્ટનાં સોશ્યલ મીડિયા પર લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.