02 January, 2026 01:18 PM IST | Banswara | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૨૦૨૫ના છેલ્લા દિવસે આખી દુનિયા નવા વર્ષના આગમનના સેલિબ્રેશનની તૈયારીમાં લાગી હતી ત્યારે રાજસ્થાનના બાંસવાડાની ગંગા નામની એક મહિલા પોલીસે એક મહિલાને ડૂબતી બચાવી હતી. આ કામ જોખમી અને સાહસપૂર્ણ એટલા માટે હતું કે આત્મહત્યા કરવા માગતી મહિલા કોઈ કાળે જીવવા માગતી નહોતી. ખૂબ સમજાવટ પછી પણ તેણે ધરાર પાણીમાં ડૂબકી મારી દીધી હતી. જોકે આ મહિલા કૉન્સ્ટેબલે તેની પાછળ પાણીમાં ડૂબકી લગાવી દીધી હતી. પાણીમાં પડ્યા પછી પણ તે મહિલા પોતાને છોડાવવા માટે ખૂબ મથી હતી. એક તબક્કે તો એવું લાગી રહ્યું હતું કે પેલી મહિલાને બચાવવા જતાં કૉન્સ્ટેબલનો જીવ જોખમમાં ન મુકાઈ જાય. ખાસ્સી મિનિટો સુધી પાણીમાં જ પેલી મહિલાને કન્ટ્રોલમાં કરવાની ગંગાએ કોશિશ કરી, પણ મહિલા હાથ છોડાવવા ધમપછાડા કરી રહી હતી. આખરે થોડું પાણી પેલી મહિલાના પેટમાં જતાં તેનું જોર ઓછું થયું. એ જ વખતે ગંગા તેને ખેંચીને કિનારા પાસે લઈ ગઈ અને બીજા કૉન્સ્ટેબલોની મદદથી તેને પાણીમાંથી કાઢીને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.