આજીવન કારાવાસનો કેદી કોર્ટની દીવાલો પર બનાવી રહ્યો છે પેઇન્ટિંગ

17 April, 2026 01:30 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Correspondent

ગાઝિયાબાદની કોર્ટના પરિસરમાં ન્યાયાધીશો અને ફરિયાદીઓમાં પેઇન્ટિંગ્સથી સજેલી દીવાલો ચર્ચામાં છે

આ ચિત્રો અરુણ રાણા નામના આજીવન કારાવાસના કેદીએ બનાવ્યા છે

ગાઝિયાબાદની કોર્ટમાં રોજ લગભગ ૧૦,૦૦૦થી વધુ લોકોની અવરજવર થાય છે. કોર્ટનાં પગથિયાં ચડનારા દરેકને ન્યાય મળે એવી આશા હોય છે. જોકે આજકાલ ગાઝિયાબાદની કોર્ટના પરિસરમાં ન્યાયાધીશો અને ફરિયાદીઓમાં પેઇન્ટિંગ્સથી સજેલી દીવાલો ચર્ચામાં છે. આ ચિત્રો અરુણ રાણા નામના આજીવન કારાવાસના કેદીએ બનાવ્યા છે. અરુણ કંઈ પહેલેથી પેઇન્ટર નહોતો, પરંતુ જેલમાં આવ્યા પછી તે જાતે જ પેઇન્ટિંગ શીખ્યો છે. જેલમાં આવ્યા પછી ખૂણામાં પડેલા કાગળના ડૂચા પર પેન્સિલના ઠૂંઠાથી કંઈક નવું ચિતરામણ કરતો રહેતો હતો. તેના સ્કેચ જોઈને જેલરને તેનામાં પ્રતિભા દેખાઈ. જેલરે તેને ચિત્રો દોરી શકાય એ માટે રંગો અને કાગળની વ્યવસ્થા કરી આપી. એ પછી તો તેનાં પેઇન્ટિંગ ખૂબ વખણાવા લાગ્યાં. અરુણે તેની સાથે જેલમાં સજા કાપી રહેલા અન્ય કેદીઓને પણ પેઇન્ટિંગ શીખવવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેણે ૭૦૦ કેદીઓના ચિત્રકલાના ક્લાસ લીધા છે. અમુક ચિત્રો એટલાં વખણાયાં છે કે તે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ભેટ આપી ચૂક્યો છે. અરુણ કોઈ રીઢો ગુનેગાર નથી. તે કૉલેજમાં ભણી રહ્યો હતો ત્યારે કોઈકે તેના પિતાનું અપમાન કર્યું અને એ ક્ષણિક આવેગમાં તેના હાથે ગુનો થઈ ગયો હતો. એ ગુનાની સજા આજે પણ તે ભોગવી રહ્યો છે. તે પોતાના જૂના દિવસોને યાદ કરવા નથી માગતો. જેલમાં રહીને પણ તે પોતાની કલાને એક્સપ્લોર કરવા માગે છે. તાજેતરમાં તેનાં ચિત્રો ગાઝિયાબાદની કોર્ટની દીવાલો પર ચમક્યાં છે.

ghaziabad offbeat news national news news