01 July, 2025 12:44 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
લુઈ વિતોંએ રિક્ષાના શેપવાળી બૅગ
ફ્રાન્સના અત્યંત લક્ઝરી ફૅશન હાઉસ લુઈ વિતોંની કોઈ પણ પ્રોડક્ટ હોય, એ મોંઘી ન હોય તો જ નવાઈ. તાજેતરમાં ૨૦૨૬નું સ્પ્રિંગ/સમર કલેક્શન બહાર પડ્યું છે એમાં એક ખાસ શેપની બૅગ છે. લુઈ વિતોંની સિગ્નેચર મોનોગ્રામ ડિઝાઇન તો એમાં છે જ, પણ એનો શેપ છે રિક્ષા જેવો. આગળના ભાગે રિક્ષાનું પૈડું પણ બહાર નીકળે છે. આમ તો કંપનીએ જેમ સ્ટોન મઢેલી અને નેચર થીમની મૉટિફ્સવાળી બૅગ્સ પણ આ જ સીઝનમાં લૉન્ચ કરી છે, પરંતુ એ બધામાં ઑટોરિક્ષાના શેપવાળી હૅન્ડબૅગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એ બૅગની કિંમત છે ૩૫ લાખ રૂપિયા. સોશ્યલ મીડિયા પર અચાનક આ નવી આવી રહેલી વેસ્ટર્ન વર્લ્ડની ફૅશન માટે કેટલાક સવાલ થઈ રહ્યા છે. એક તો તાજેતરમાં પશ્ચિમી ફૅશનમાં ઇન્ડિયન ટચ બહુ જોવા મળે છે. થોડા દિવસ પહેલાં પ્રાડા કંપનીએ કોલ્હાપુરી ચંપલથી પ્રેરિત થઈને જૂતાં ડિઝાઇન કરેલાં, તો હવે લુઈ વિતોંની રિક્ષા આવી છે. એક સાચુકલી રિક્ષા ખરીદવા જાઓ તો એની કિંમત અને ઇન્શ્યૉરન્સ બધું મળીને ત્રણથી સવાત્રણ લાખ રૂપિયામાં નવીનક્કોર મળી જાય. જોકે બીજો અને મહત્ત્વનો સવાલ એ છે કે આ બૅગમાં એવું તે શું છે કે એની કિંમત રિયલ રિક્ષા કરતાં દસ ગણી છે?