01 December, 2025 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ કપલનું નામ છે ઋષભ અને સોનાલી
મધ્ય પ્રદેશમાં એક યુગલે લગ્નની તસવીરો પોસ્ટ કરી ત્યારે તેમને હતું કે લોકો તેમને શુભકામનાઓ આપશે, પરંતુ તેમના દેખાવમાં રહેલી ભિન્નતાને કારણે લોકોએ રંગભેદી કમેન્ટ્સ કરીને યુગલના આ ખાસ દિવસની મજા કિરકિરી કરી દીધી. કેટલાકે લખ્યું હતું, ‘ગુલાબજામુન કે સાથ રસગુલ્લા’ તો કેટલાકે દુલ્હનની પસંદ પર સવાલ ઉઠાવ્યા હતા. કોઈકે લખેલું કે છોકરો સરકારી નોકરીવાળો અથવા અમીર હશે.
આ કપલનું નામ છે ઋષભ અને સોનાલી. ખૂબ ટ્રોલ થયા પછી ઋષભે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું, ‘અમે ૧૧ વર્ષના લાંબા સંબંધો પછી લગ્ન કર્યાં છે. તમને નિરાશ કરવા માટે માફી, પણ મારી પાસે કોઈ સરકારી નોકરી નથી. હું મારા પરિવારનો બિઝનેસ સંભાળું છું અને મારી પત્નીને સુંદર જિંદગી આપવા માગું છું. કૉલેજના દિવસોથી તે મારી સાથે છે. આજે મારી આવક સારીએવી છે, પણ તેણે મને ત્યારે પ્રેમ કર્યો હતો જ્યારે મારી પાસે કશું જ નહોતું.’