માલિકની અર્થી પાછળ ડૉગી ચાલ્યો અને રસ્તામાં જ પોતાનો દમ તોડી દીધો

14 July, 2026 02:06 PM IST  |  Betul | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષથી પાળેલો ડૉગી ડુગ્ગુ પ્રદીપ જૈનના પાર્થિવ શરીર પાસેથી કેમેય ખસવા જ તૈયાર નહોતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

કહેવાય છે કે મૂંગાં પ્રાણીઓથી વધુ પ્રેમ અને વફાદારી કોઈ ન કરી શકે. મધ્ય પ્રદેશના બેતુલ ગામમાં માલિક અને ડૉગીના અતૂટ સંબંધની મિસાલ સમી એક ઘટના ઘટી. પ્રદીપ જૈન નામના ૬૭ વર્ષના ભાઈ બીમારીને કારણે ૮ દિવસથી ભોપાલની મોટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમનું અવસાન થતાં તેમના પાર્થિવ શરીરને બેતુલ ગામ લાવવામાં આવ્યો. અહીં અંતિમ દર્શન માટે સગાંસંબંધીઓ આવવા લાગ્યાં. જોકે એ બધામાં એક જીવ એવો હતો જે પ્રદીપ જૈનના જવાથી લગભગ સ્તબ્ધ અને ગમગીન થઈ ગયો હતો. ૧૫ વર્ષથી પાળેલો ડૉગી ડુગ્ગુ પ્રદીપ જૈનના પાર્થિવ શરીર પાસેથી કેમેય ખસવા જ તૈયાર નહોતો. સગાંસંબંધીઓ આવવાનાં બાકી હોવાથી પાર્થિવ દેહને આખી રાત ઘરમાં જ રાખવાનો હોવાથી અન્ય પરિવારજનોએ ડુગ્ગુને પકડીને એક બીજા રૂમમાં પૂરી દીધો. આખી રાત ડુગ્ગુ રડતો રહ્યો. બીજા દિવસે સવારે જ્યારે અંતિમ સંસ્કાર માટે માલિકની અર્થી નીકળવાની હતી ત્યારે ડુગ્ગુને રૂમમાંથી કાઢવામાં આવ્યો. ડુગ્ગુ જેવો છૂટ્યો કે તરત અર્થી તરફ ભાગ્યો. માલિકનો પાર્થિવ દેહ સ્મશાન પહોંચે એ પહેલાં જ પાછળ દોડતા ડુગ્ગુને પણ શ્વાસ ચડવાનો શરૂ થયો અને તેણે પણ દમ તોડી દીધો. પ્રદીપ જૈનના ઘરવાળાઓએ ડુગ્ગુને પણ પરિવારજન જેવું જ સન્માન આપ્યું અને તેની પણ અર્થી સજાવવામાં આવી. બન્નેની અંતિમયાત્રા સાથે જ મોક્ષધામ પર પહોંચી હતી. માલિકના હિન્દુ રીતરિવાજથી અંતિમ સંસ્કાર થયા અને ડુગ્ગુને સ્મશાન પરિસરમાં જ વિધિ કરીને દફનાવવામાં આવ્યો. 

madhya pradesh viral videos offbeat news national news news