04 September, 2025 01:34 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પચીસ લાખના ખર્ચે બનેલું તળાવ ચોરાઈ ગયું
મધ્ય પ્રદેશના રીવામાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં એક તળાવ ખોવાઈ ગયું હોવાની જાહેરાત થઈ છે. રીવા જિલ્લાના કઠોલી ગામમાં લગભગ પચીસ લાખ રૂપિયાના ખર્ચે બનેલું અમૃત સરોવર ગાયબ થઈ ગયું છે. આ અનોખી ફરિયાદ પહેલાં ગ્રામપંચાયતમાં થઈ અને પછી હવે કલેક્ટર સુધી પહોંચી છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન અંતર્ગત મળેલી માહિતી અનુસાર કઠોલી ગામમાં ૨૦૨૩ની નવમી ઑગસ્ટે અમૃત સરોવરનું નિર્માણ પૂરું થયું હતું. એમાં લગભગ પચીસ લાખ રૂપિયા વપરાયા હતા. આ તળાવ ભૂમિગત જળસ્તર વધારવા અને ગામની પાણીની અછતના ઉકેલ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ગ્રામીણો એ તળાવ જોવા પહોંચ્યા તો ખાલી ઝાડીઓવાળી જમીન મળી હતી.
આ કંઈ એક ગામનો મામલો નથી. અખિલેશ સિંહ નામના એક ગામવાસીએ ફરિયાદ કરી છે કે આસપાસની આઠથી ૧૦ પંચાયતોનાં અન્ય તળાવોની પણ તપાસ કરવી જોઈએ, કેમ કે ત્યાંનાં તળાવો પણ રાતોરાત ગાયબ થઈ ચૂક્યાં છે. આ ચોરી ભ્રષ્ટાચારનું પરિણામ છે. સરકારી દસ્તાવેજોમાં તળાવ બનાવ્યાં હોવાના દાવા થાય છે, પણ હકીકતમાં કંઈ જ થયું નથી હોતું.