12 January, 2025 04:38 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
સંજય પાટીદારની ૧૦ મહિના બાદ ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના દેવાસમાં ગયા માર્ચ મહિનામાં લિવ-ઇન પાર્ટનર પ્રતિભા પાટીદારને મારીને તેની ડેડ-બૉડી ફ્રિજમાં મૂકી દેનારા તેના ૪૧ વર્ષના પાર્ટનર સંજય પાટીદારની ૧૦ મહિના બાદ ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રતિભાની હત્યા કરીને સંજયે તેનો મૃતદેહ ફ્રિજમાં છુપાવી દીધો હતો અને ગયા જૂન મહિનામાં ભાડાનું આ મકાન ખાલી કરી દીધું હતું, પણ એક રૂમ તેણે પોતાનો સામાન રાખવા પોતાના કબજામાં રાખ્યો હતો. સંજયના આ રૂમમાંથી દુર્ગંધ આવી રહી હોવાની જાણ હાલમાં આ મકાનમાં રહેતા નવા ભાડૂત બલવીર રાજપૂતને આવતાં તેણે ગયા શુક્રવારે કુતૂહલવશ આ રૂમ ખોલ્યો હતો અને ફ્રિજમાં જોતાં એમાંથી પ્રતિભાની ડેડ-બૉડી મળી આવી હતી.
આ કેસની વિગતો આપતાં દેવાસના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પુનીત ગેહલોટે જણાવ્યું હતું કે ‘સંજય પાટીદારે માર્ચ ૨૦૨૪માં તેની લિવ-ઇન પાર્ટનર પ્રતિભાની હત્યા કરી દીધી હતી. સંજય પાટીદારે ભાડાનું આ મકાન જૂનમાં ખાલી કર્યું હતું અને જુલાઈમાં બલવીર રાજપૂત આ ઘરમાં રહેવા આવ્યો હતો.’
સંજયની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. આ હત્યાકાંડ વિશે સંજય પાટીદારે પોલીસને જણાવ્યું હતું કે ‘ગત પાંચ વર્ષથી અમે લિવ-ઇન પાર્ટનર હતાં, ૨૦૨૩માં અમે દેવાસ આવ્યાં હતાં અને પાડોશીઓને કહ્યું હતું કે અમે પરિણીત છીએ. જોકે પ્રતિભા લગ્ન કરી લેવા માટે દબાણ કરતી હતી. આ મુદ્દે બેઉ વચ્ચે ઝઘડા થતા હતા. ગયા માર્ચ મહિનામાં મિત્ર વિનોદ દવેની મદદથી પ્રતિભાની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ ફ્રિજમાં છુપાવી દીધો હતો અને હું ઉજ્જૈન જતો રહ્યો હતો.’
તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે એક રૂમમાં સામાન રાખવાનો છે એમ કહીને એ રૂમ સંજયે તેના કબજામાં રાખ્યો હતો અને થોડા-થોડા દિવસે આવીને તે બધું ચેક કરતો હતો.