01 July, 2025 12:32 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
કૉલ-ડિટેલના આધારે પોલીસે ખુશી ઉર્ફે શાહિદાબાનુને પકડી લીધી હતી.
મધ્ય પ્રદેશના જબલપુરમાં ઇન્દ્રકુમાર તિવારી નામના ૪૫ વર્ષના એક ભાઈની તેમનાં લગ્નની સુહાગરાતે જ હત્યા થઈ હતી. તેમણે જે છોકરીને ખુશી સમજીને લગ્ન કર્યાં હતાં એ હકીકતમાં શાહિદાબાનુ હતી. ઇન્દ્રકુમાર પાસે જમીન-જાયદાદ હતી, પરંતુ ૪૫ વર્ષે પણ તેનાં લગ્ન નહોતાં થયાં. એક વાર અનિરુદ્ધાચાર્યના સત્સંગમાં ઇન્દ્ર તિવારીએ પોતાનાં લગ્નને લઈને સવાલ પૂછ્યો એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. એ જોઈને ગોરખપુરમાં રહેતી શાહિદાબાનુએ તેના પ્રેમી સાથે મળીને ઇન્દ્રકુમારને લપેટામાં લેવાનો પ્લાન બનાવ્યો. શાહિદા તેના પ્રેમી કૌશલ સાથે જબલપુર આવી. કૌશલે ઇન્દ્રને મળીને પોતાની ઓળખ સંદીપ તરીકે આપી અને શાહિદાને તેની બહેન તરીકે ખુશીના નામે ઓળખાણ કરાવી. પોતાની બહેનનાં લગ્નની ચિંતાની વાત કરતાં ઇન્દ્રકુમાર તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. બન્ને જણ અવારનવાર જબલપુર આવીને મળતાં રહ્યાં. જોકે એ માટે તેણે ગોરખપુર આવવું પડશે એમ કહ્યું. ગોરખપુરમાં ઘર ભાડે લઈને ઇન્દ્રકુમાર, ખુશી અને સંદીપ ત્રણેય સાથે રહેવા લાગ્યાં. એ દરમ્યાન બન્નેએ સંદીપને એવો ઝાંસામાં લીધો કે તેણે પોતાની સંપત્તિનું વિલ પણ આ બન્નેના નામે કરી દીધું. આ વિલને અમલી બનાવવા માટે પણ ખુશીએ ઇન્દ્રકુમાર સાથે લગ્ન કરીને તેની પત્ની બનવું જરૂરી હતું. બન્ને ઇન્દ્રને કારમાં કુશીનગર લઈ ગયા અને ત્યાં એક હોટેલમાં બન્નેનાં લગ્ન થયાં. જયમાલા અને સિંદૂરની વિધિ થઈ. એ જ રાતે એ જ હોટેલમાં સુહાગરાત મનાવવાની હતી ત્યારે ઇન્દ્રને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી દેવામાં આવી. દવાની અસર હેઠળ ઇન્દ્રકુમાર ભરઊંઘમાં હતો ત્યારે કારમાં નાખીને સૂમસામ વિસ્તારમાં લઈ જઈને ચાકુના ઘા ઝીંકીને મારી નાખ્યો અને લાશ ઝાડીમાં ફેંકી દીધી. ઇન્દ્ર તિવારીના ફોનની ડિટેલના આધારે તેમના પરિવારજનો કુશીનગરની અજાણી લાશ સુધી પહોંચ્યા હતા. એ પછી કૉલ-ડિટેલના આધારે પોલીસે ખુશી ઉર્ફે શાહિદાબાનુને પકડી લીધી હતી.