21 January, 2025 12:48 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના મોરેનામાં દહેજની માગણી માટે ૨૭ વર્ષની અંજુ શર્મા નામની એક મહિલાને તેનાં સાસરિયાંઓએ ૧૪ જાન્યુઆરીએ જોરદાર માર મારતાં તે બેહોશ થઈ ગઈ હતી અને તે મરી ગઈ છે એમ સમજીને તેને ઘર પાસે આવેલા પચાસ ફુટ ઊંડા કૂવામાં ફેંકી દીધી હતી. જોકે સદ્નસીબે આ મહિલા બચી ગઈ હતી અને ગામના લોકોએ તેને બહાર કાઢી હતી. સુબલગઢના રહુ ગામમાં આ બનાવ બન્યો હતો.
અંજુ શર્માને તેના પતિ કુલદીપ, સસરા રામ પ્રકાશ, સાસુ પ્રીતિ અને દિયર સંદીપે લોખંડના સળિયા અને બેલ્ટથી મારી હતી. તેને કૂવામાં ફેંકી દીધા બાદ સાસરિયાંઓએ અંજુનાં માતા-પિતાને કહ્યું હતું કે અંજુ ઘરેથી ભાગી ગઈ છે. કૂવામાં ૧૨ કલાક સુધી બેહોશ રહ્યા બાદ સવારે ગામલોકોએ પાણી માટે મોટરપમ્પ ચાલુ કર્યો ત્યારે તેના વાઇબ્રેશનથી તે હોશમાં આવી હતી અને મદદ માટે બૂમો પાડતાં ગામલોકોએ દોરડાની મદદથી તેને બહાર કાઢી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અંજુએ આપવીતી જણાવતાં કહ્યું હતું કે ૨૦૨૧ની ૧૮ ફેબ્રુઆરીએ તેનાં લગ્ન કુલદીપ સાથે થયાં હતાં અને તેને ૬ મહિનાનો દીકરો છે. લગ્ન બાદ દહેજ માટે સાસરિયાં તેને ત્રાસ આપતાં હતાં. તેનો પતિ ગ્વાલિયરમાં કોચિંગ ક્લાસ ચલાવે છે અને ઘરે આવીને તે દહેજની માગણી માટે અંજુની મારપીટ કરે છે. તે સોનાની ચેઇન અને કારની માગણી કરે છે. પતિનો સ્વભાવ સુધરશે એવી આશાએ અંજુ આ ત્રાસ સહન કરતી હતી, પણ ધીમે-ધીમે પરિસ્થિતિ વધારે બગડતી જતી હતી. મકરસંક્રાન્તિએ ઘરે આવ્યા બાદ પણ તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો.