13 September, 2025 04:13 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
રાજગઢનાં આ બહેનને આશરે ૬૦-૭૦ રોટલી ખાધા પછી પણ નબળાઈ રહે છે
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં મંજુ સોંધિયા નામનાં એક બહેનને અજીબોગરીબ સમસ્યા છે. તેમને ખૂબ ભૂખ લાગે છે અને તેઓ દર થોડા-થોડા કલાકે પેટમાં કંઈક ને કંઈક ઓરે છે છતાં તેમને ખૂબ જ નબળાઈ લાગે છે. બહેન નેવજ નામના સાવ નાનકડા અને અંતરિયાળ ગામમાં રહે છે. ત્રણેક વર્ષ પહેલાં સુધી મંજુબહેન એકદમ સ્વસ્થ હતાં. એક વાર તેમને ટાઇફૉઇડ થયેલો. એ વખતે લાંબો સમય બીમારી રહી, પણ આખરે સારું થઈ ગયું. જોકે તાવ ગયો, પણ એની સાઇડ-ઇફેક્ટ રહી ગઈ. મંજુને ભૂખ બહુ લાગવા લાગી. દિવસમાં પાંચ-સાત વાર તેને ખાવા જોઈતું. એમાં તે ૨૦-૩૦ રોટલીઓ ઝાપટી જતી. જોકે એ પછી પણ તેને શરીરે નબળાઈ જ વર્તાયા કરતી. આ ભૂખની સમસ્યા એટલી વધી ગઈ છે કે હવે તે રોજની ૬૦-૭૦ રોટલીઓ ખાધા પછી પણ ભૂખી અને વીકનેસની ફરિયાદ જ કરતી રહે છે. તેના ઇલાજ માટે રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં ચાર-પાંચ શહેરોમાં ડૉક્ટરોને બતાવ્યું, પણ કોઈને આ સમસ્યા સમજાઈ નથી. હાલમાં મંજુનો ઈલાજ કરનારાં ડૉક્ટર કોમલ દાંગીનું કહેવું છે કે તેને છ મહિના પહેલાં ગભરામણ અને વીકનેસની તકલીફ સાથે ભરતી કરવામાં આવેલી. ઉપચાર પછી થોડોક સમય સારું રહ્યું અને ફરીથી એનું એ જ. તેને શક્તિની દવાઓ આપવાથી જુલાબ થઈ જાય છે એટલા દવા પણ નથી આપી શકાતી. આટલુંબધું ખાવા છતાં તેનું વજન પણ વધી નથી રહ્યું એટલે ડૉક્ટરોનું માનવું છે કે તેને કોઈ માનસિક સમસ્યા હોઈ શકે. એમાં વ્યક્તિને જમ્યા પછી પણ લાગતું હોય છે કે તેણે કંઈ જ ખાધું નથી. મનને શાંત કરવા માટે તેને વારંવાર ખાવું પડે છે. તેની આ બીમારી માટે પરિવારે પાંચ લાખથી ૭ લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને છતાં ડૉક્ટરો કોઈ ઠોસ નિદાન કે ઇલાજ કરી શક્યા નથી. ડૉક્ટરોનું કહેવું છે કે ભોજનમાં રોટલીઓ ઘટાડીને ખીચડી, ફળ, દાળ-ભાત જેવો પૌષ્ટિક ખોરાક આપવાથી કદાચ માનસિક આદત બદલાશે.