મહાકાલી બલિ માગી રહ્યાં છે એમ કહીને યુવકે પોતાની જ ગરદન પર કુહાડી ઝીંકી દીધી

28 March, 2026 01:16 PM IST  |  Etawah | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં જ પેરન્ટ્સનું મૃત્યુ થયું હતું અને પત્ની છોડીને જતી રહી હોવાથી તે દારૂ અને ભાંગના નશામાં ચૂર રહેતો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઉત્તર પ્રદેશના ઇટાવામાં અંધવિશ્વાસ અને માનસિક તાણને કારણે એક યુવકે અત્યંત ક્રૂર રીતે પોતાના પર જ હુમલો કર્યો હતો. ૨૮ વર્ષનો રાજેશ તિવારી નામનો યુવક પારિવારિક કલેશથી કંટાળ્યો હતો. તે માનસિક સ્ટ્રેસમાં રહેતો હોવાથી નશો કરવા લાગ્યો હતો. થોડા સમય પહેલાં જ પેરન્ટ્સનું મૃત્યુ થયું હતું અને પત્ની છોડીને જતી રહી હોવાથી તે દારૂ અને ભાંગના નશામાં ચૂર રહેતો હતો અને અસામાન્ય વર્તન કરતો હતો. તે વારંવાર મા પાસે જતા રહેવાનું કહેતો હતો. તે વારંવાર કહેતો હતો કે મહાકાલી તેનો બલિ માગી રહી છે. રાજેશના ચાચાએ કહ્યું હતું કે તેની આ બલિ ચડવાની ધૂન બહુ તીવ્ર બની ચૂકી હોવાથી તેને એકલો છોડવો મુશ્કેલ બની ગયો હતો. જોકે એક દિવસ તે ઘરના મંદિર પાસે કુહાડી લઈને ચિલ્લાતો સંભળાયો હતો કે મહાકાલી બલિ માગે છે. એ ચીસોની વચ્ચે તેણે જાતે જ પોતાની ગરદન પર કુહાડી ઝીંકી દીધી. એને કારણે લોહીના ફુવારા ઊડ્યા. પરિવારજનોને ખબર પડતાં જ તરત તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ ત્યાં પણ તે મહાકાલી બલિ માગે છેનું રટણ કરતો રહ્યો હતો અને આખરે ખૂબ લોહી વહી જવાથી મૃત્યુ પામ્યો હતો.

offbeat news viral videos uttar pradesh national news news