21 March, 2026 02:48 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
૮ વર્ષ સુધી લાંબી સ્ટિક ગળામાં ભરાઈ રહી
ચીનમાં વાંગ નામના ભાઈ ૮ વર્ષ પહેલાં દારૂ પીતી વખતે ભૂલથી ચૉપસ્ટિક પણ ગળી ગયા હતા. એ સમયે તેમને ગળામાં થોડુંક દરદ પણ થયેલું. જોકે શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી નહોતી પડી. જ્યારે નશામાંથી ભાનમાં આવ્યા ત્યારે વાંગભાઈ ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે તેમને સર્જરી કરવાની સલાહ આપી હતી. એમાં ગરદન પાસેથી કાપો મૂકીને ચૉપસ્ટિક કાઢવાની હતી. જોકે વાંગને સર્જરીનો ડર લાગતો હતો એટલે તેણે જેમ છે એમ જ રહેવાનું નક્કી કર્યું. તેને ક્યારેક ગળામાં દુખાવો અને પીડા થતાં, ક્યારેક સોજો પણ આવતો; પરંતુ એને તે નજરઅંદાજ કરતો રહ્યો. આ રીતે લગભગ ૮ વર્ષ નીકળી ગયાં. તાજેતરમાં તેને ગળામાં ફસાયેલી ચૉપસ્ટિકને કારણે વધુ તકલીફ થવા લાગી. તેઓ ફરી ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરોએ ફરી સર્જરી કરવાની વાત કરી. આ વખતે તેમણે ડૉક્ટર બદલ્યા અને સર્જરી સિવાયનો કોઈ વિકલ્પ હોય તો એને એક્સપ્લોર કરવાની વાત કરી. આખરે ડૉક્ટરોએ મિનિમલી ઇન્વેસિવ પ્રક્રિયા દ્વારા મોંમાંથી દૂરબીન નાખીને થતી સર્જરી કરીને ચૉપસ્ટિક કાઢી હતી. નવાઈની વાત એ હતી કે ૮ વર્ષ સુધી લાંબી સ્ટિક ગળામાં ભરાઈ રહી એમ છતાં તેમના અંદરના બીજા અવયવોને કોઈ નુકસાન નહોતું થયું.