08 September, 2026 10:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ વાળનો જથ્થો યુવતીના પેટમાં ખોરાક સાથે ભેગો થઈને J આકારના કડક પથ્થર જેવો ગોળો બની ગયો હતો
ઘર કરી ગયેલી માનસિક વિકૃતિ અને આદતો પર પ્રકાશ પાડતો એક ચોંકાવનારો કિસ્સો દિલ્હીની મણિપાલ હૉસ્પિટલમાંથી સામે આવ્યો છે. ૨૦ વર્ષની MBBSની વિદ્યાર્થિનીના પેટમાંથી ડૉક્ટરોએ સર્જરી કરીને ૧.૧૬ કિલો વજન ધરાવતો વાળનો ગોળો એટલે કે હેર-બૉલ બહાર કાઢ્યો હતો.
આ સ્ટુડન્ટને નાનપણથી એટલે કે છેલ્લાં ૧૧ વર્ષથી પોતાના જ વાળ તોડીને-તોડીને ખાવાની આદત હતી. આ આદતે આખરે પોતાનો રંગ બતાવ્યો હતો અને પેટમાં અસહ્ય દુખાવો, ઊલટીઓ અને વજન ઘટવાની સમસ્યા સાથે તેણે હૉસ્પિટલમાં પહોંચવું પડ્યું હતું.
તબીબી તપાસ અને એન્ડોસ્કોપી દરમ્યાન ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. યુવતીના પેટમાં વાળનો વિશાળ જથ્થો જમા થઈ ગયો હતો, જે અન્નનળીથી લઈને નાના આંતરડા સુધી J આકારમાં ફેલાયેલો હતો.
માનવશરીર વાળને પચાવી શકતું નથી એટલે ૧૧ વર્ષથી સતત વાળ ખાવાને કારણે આ વાળનો જથ્થો યુવતીના પેટમાં ખોરાક સાથે ભેગો થઈને J આકારના કડક પથ્થર જેવો ગોળો બની ગયો હતો, જેને કારણે પેટમાં ખોરાક માટે જગ્યા જ નહોતી બચી.
વાળનો ગોળો એટલો મોટો અને મજબૂત હતો કે એન્ડોસ્કોપીથી નીકળે એમ નહોતો. આખરે ડૉક્ટરોની ટીમે ખાસ લેપ્રોસ્કોપિક સર્જરી કરીને અને પેટ પર નાનો કાપો મૂકીને સુરક્ષિત રીતે આ ૧.૧૬ કિલોનો વાળનો ગોળો બહાર કાઢ્યો હતો.
તબીબી ભાષામાં પોતાના જ વાળ ખાવાની આ માનસિક બીમારીને ટ્રાઇકોફેજિયા કહેવાય છે. ઘણી વાર દરદીઓ શરમના કારણે આ વાત કોઈને કહેતા નથી અને વર્ષો સુધી પેટમાં વાળ જમા થતા રહે છે. હાલ સર્જરી બાદ સ્ટુડન્ટની તબિયત સુધારા પર છે અને તે ફરી પોતાનો અભ્યાસ શરૂ કરી ચૂકી છે. જોકે ડૉક્ટરોએ તેને સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગ લેવાની સલાહ આપી છે.