આ સ્નિફર-ડૉગથી શિકારીઓ થરથર કાંપે છે

20 May, 2026 12:21 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

૨૦૧૭ની ૧૭ માર્ચે જન્મેલો ગૅલિલિયો ૨૦૨૦થી આ ટાઇગર રિઝર્વમાં ફરજ બજાવે છે

ગૅલિલિયો મધ્ય પ્રદેશ વનવિભાગની ૧૬ સભ્યોની ડૉગ-સ્ક્વૉડનો સૌથી તેજસ્વી સભ્ય છે

મધ્ય પ્રદેશના વીરાંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વમાં એક સ્નિફર ડૉગ આજે શિકારીઓ માટે કાળ બની ગયો છે. ગૅલિલિયો નામના બેલ્જિયન મૅલિન્વા નસલના કૂતરાએ  વન્યજીવ ગુનાના ૫૧ કેસ ઉકેલીને ૯૧થી વધુ શિકારીઓ અને લાકડાંના તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ૨૦૧૭ની ૧૭ માર્ચે જન્મેલો ગૅલિલિયો ૨૦૨૦થી આ ટાઇગર રિઝર્વમાં ફરજ બજાવે છે.

બેલ્જિયન મૅલિન્વા નસલના કૂતરા સ્વભાવે બુદ્ધિશાળી, ઊર્જાવાન અને માણસો સાથે જલદી હળીમળી જાય એવા હોય છે. ગૅલિલિયો જંગલની અંદર જાડાં પાંદડાં નીચે સંતાડેલો ફાંદો પણ શોધી કાઢે છે અને માઇલો દૂરથી એવી ગંધ પારખી લે છે જ્યાં માણસો પહોંચી પણ શકતા નથી. એનો ટ્રેઇનર પ્રીતમ અહીરવાર કહે છે કે ગૅલિલિયો આંખના પલકારામાં લક્ષ્ય સુધી પહોંચી જાય છે.

ગૅલિલિયો મધ્ય પ્રદેશ વનવિભાગની ૧૬ સભ્યોની ડૉગ-સ્ક્વૉડનો સૌથી તેજસ્વી સભ્ય છે. ભોપાલની એક ટીમ એનો ખોરાક નક્કી કરે છે અને એના પર દર મહિને લગભગ ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચાય છે. એને નિયમિત રસી આપવામાં આવે છે અને એની અવરજવર માટે ખાસ વાહનની વ્યવસ્થા છે. ૨૦૨૩માં ટાઇગર રિઝર્વ બનેલું વીરાંગના દુર્ગાવતી અભયારણ્ય ૨૩૩૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને અહીં ૬ દુર્લભ વાઘ વસે છે. ગૅલિલિયોની હાજરીને કારણે શિકારીઓ વાઘ અને અન્ય વન્યજીવોનો શિકાર કરતાં ડરે છે. વનવિભાગ માટે એ એક અમૂલ્ય સંપત્તિ છે અને કહેવાય છે કે ગૅલિલિયોનું નામ સાંભળતાં જ તસ્કરોમાં ધ્રુજારી આવી જાય છે. વનરક્ષકો કરતાં પણ શિકારીઓ એનાથી વધુ ડરે છે.

madhya pradesh offbeat news national news news