13 June, 2026 02:35 PM IST | Shimla | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હિમાચલ પ્રદેશના મંડીમાં એક વાંદરાએ રસ્તા પર રખડતા એક ગલૂડિયાને ઊંચકી લીધું હતું અને પોતાની સાથે લઈને ઝાડ પર લગભગ ૨૦ ફુટ ઊંચે જઈને બેસી ગયો હતો. ક્યાંય સુધી બંદરભાઈએ એ ગલૂડિયાને પ્રેમથી પકડી રાખ્યું હતું. જે લોકોએ આ નજરે જોયું તેમનો જીવ ઊંચો થઈ ગયો હતો. ક્યાંક થોડીક પણ ચૂક થઈ જાય અને ગલૂડિયું પડી જાય તો એનો જીવ જોખમમાં મુકાઈ જશે એ ચિંતાએ લોકોએ વાંદરાને પપીને છોડવા માટે કહ્યું હતું. એ વખતે તો વાંદરાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, પરંતુ ૧૦-૧૫ મિનિટ પછી એને પાછું જમીન પર મૂકી પણ દીધું હતું.
આ અજીબ ઘટનામાં લોકોનાં બે પ્રકારનાં રીઍક્શન આવી રહ્યાં છે. સ્થાનિકોમાં ચિંતા થઈ રહી છે કે વાંદરાએ ભલે પ્રેમ અને કાળજીથી આમ કર્યું હોય, પરંતુ ગલૂડિયું ખૂબ સહેમી ગયું હતું. એ ડાળ પરથી પડી ન જવાય એની બીકે બેઠું હોય એવું લાગી રહ્યું છે, જ્યારે કેટલાક લોકોને લાગે છે કે આ વાંદરાનો પ્રેમ વ્યક્ત કરવાનો રસ્તો છે. નિષ્ણાતો પણ આ હરકતને નૉર્મલ ગણાવે છે.
કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે આજે વાંદરો કૂતરાના બચ્ચાને ઊંચકી ગયો છે, કાલે ઊઠીને જો બહાર રમતા બાળકને ઊંચકી જાય તો શું?