14 October, 2024 06:06 PM IST | Asia | Gujarati Mid-day Correspondent
નૅશનલ જ્યૉગ્રાફિકની ટીમને એવરેસ્ટના પીગળેલા બરફ નીચેથી બૂટ અને પગ મળી આવ્યાં
નૅશનલ જ્યૉગ્રાફિકની ટીમને એવરેસ્ટના પીગળેલા બરફ નીચેથી બૂટ અને પગ મળી આવ્યાં છે. ફોટોગ્રાફર અને ફિલ્મમેકર જિમી ચીનનું ધ્યાન આ પગ તરફ ગયું હતું અને આ અવશેષને ખૂબ નજીકથી જોતાં ટીમને લાગી રહ્યું છે કે આ કદાચ ૧૦૦ વર્ષ પહેલાં એવરેસ્ટ ચડવા ગયેલા જ્યૉર્જ મૅલોરી સાથે ગયેલા ઍન્ડ્રુ ઇરવિન જે સૅન્ડીના હુલામણા નામે જાણીતો હતો તેના શારીરિક અવશેષ હોઈ શકે છે. બૂટની અંદરનાં મોજા પર લાલ રંગના લેબલ પર આઇ. સી. ઇરવિન લખેલું ભરતકામ છે.
માઉન્ટ એવરેસ્ટના નૉર્થ તરફના ભાગમાંથી આ અવશેષ મળી આવ્યા હતા. સેન્ચુરી પહેલાં જે રહસ્યમય રીતે બાવીસ વર્ષના આઇ. સી. ઇરવિન એવરેસ્ટ પરથી ગુમ થઈ ગયા હતા એ હવે ઉકેલાઈ રહ્યું છે. તેની સાથે ગયેલા જ્યૉર્જ મૅલોરીના શરીરના અવશેષો ૧૯૯૯માં મળી આવ્યા હતા. અત્યારે સવાલ એ થાય છે કે શું આ બન્ને પર્વતારોહકો ખરેખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને નીચે ઊતરી રહ્યા હતા કે ટોચ પર પહોંચી જ નહોતા શક્યા?