24 November, 2025 10:59 AM IST | Ratlam | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મધ્ય પ્રદેશના રતલામમાં આવેલી સરકારી મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં એક અજબ ઘટના બની હતી. અહીં કેટલાક લોકો ઢોલનગારાં લઈને નાચતા-ગાતા પહોંચ્યા હતા. તેમને જોઈને એવું લાગે કે આ નાચગાન કદાચ બાળકના જન્મની ખુશી અથવા કોઈ ખૂબ બીમાર દરદીના સાજા થઈને જવાને કારણે હશે, પણ એ તદ્દન ઊંધી વાત હતી. હકીકતમાં રતલામ મેડિકલ કૉલેજમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું જેના ‘આત્મા’ને લેવા માટે તેના પરિવારજનો અહીં આવ્યા હતા. સાંભળીને વિચિત્ર લાગે એવી આ વાત ત્યાંના આદિવાસી સમાજની એક પરંપરા છે.
સ્થાનિક આદિવાસી સમાજની માન્યતા પ્રમાણે વ્યક્તિનો આત્મા એ જગ્યાએ જ રહે છે જ્યાં તે મૃત્યુ પામે છે. મૃત્યુ પછી પરિવારના સભ્યો એ આત્માને લેવા આવે છે. પછી આ આત્માને ખેતરમાં અથવા ગામની બહાર પ્રતિમા બનાવીને દફનાવી દેવામાં આવે છે.
આ કિસ્સામાં બન્યું હતું એવું કે થોડા દિવસ પહેલાં નજીકના ગામમાં રહેતા શાંતિલાલ નામના માણસે જંતુનાશક દવા પી લીધી હતી. તેને પછી સારવાર માટે અહીં રતલામ મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યો હતો, પણ અહીં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. એ પછી આદિવાસી સમાજની માન્યતા પ્રમાણે પરિવારના લોકો ઢોલનગારાં સાથે શાંતિલાલના ‘આત્મા’ને લેવા માટે મેડિકલ કૉલેજ પહોંચ્યા હતા અને શાંતિલાલના આત્માને એક પ્રતીકાત્મક પાત્રમાં લઈને પાછા રવાના થયા હતા. આ આદિવાસી પરંપરાથી પરિચિત હોવાથી કોઈએ તેમને મેડિકલ કૉલેજમાં રોક્યા નહોતા.