16 May, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈનાં પ્રભાવતી નામનાં ૬૫ વર્ષનાં દાદીએ પૌત્ર સાથે પાસ કર્યું દસમું ધોરણ
એજ ઇઝ જસ્ટ અ નંબર એ વાક્યને મુંબઈનાં પ્રભાવતી નામનાં ૬૫ વર્ષનાં દાદીએ સાબિત કરી બતાવ્યું છે. આ વર્ષે તેમણે દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને એમાં તેમને બાવન ટકા આવ્યા છે. ખાસ વાત તો એ છે કે તેમનો પૌત્ર પણ આ વર્ષે દસમા ધોરણમાં હતો અને દાદી-પૌત્રએ સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. દાદીએ મરાઠી મીડિયમમાં ભણીને બાવન ટકા મેળવ્યા હતા અને પૌત્ર સોહમ જાધવે ઇંગ્લિશ મીડિયમમાં ભણીને ૮૨ ટકા મેળવ્યા હતા. દાદી કહે છે, ‘મને ખુશી છે કે હું પાસ થઈ અને મારો પૌત્ર પણ સારા માર્ક્સ સાથે પાસ થયો. પરિવારમાં બમણી ખુશીનો માહોલ છે. બહુ નાની ઉંમરે મારાં લગ્ન થઈ ગયાં અને પછી બાળકો આવી જતાં ઘરની જવાબદારીમાં ભણવાનું શક્ય ન બન્યું, પણ હવે મારા મોટા પૌત્રને રાત-દિવસ અભ્યાસ કરતો જોઈને મને પણ ભણવાનું મન થયું. મારા પરિવારે પણ મને પૂરો સાથ આપ્યો. ઘરનાં કામો અને જવાબદારીની વચ્ચે ભણવા માટે બહુ ઓછો સમય મળતો હતો.’