હૈદરાબાદના નિઝામનો શાહી ઠાઠ: ૪૦૦ કરોડ રૂપિયાના કપમાં કૉફી પીતા હતા

12 May, 2026 11:29 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

નિઝામના વારસામાં સામેલ કૉફી પીવાના આ કપ કોઈ સામાન્ય વાસણ નથી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

હૈદરાબાદના નિઝામોની જીવનશૈલી હંમેશાં વિશ્વભરમાં ચર્ચાનો વિષય રહી છે. તેમની અખૂટ સંપત્તિ અને કીમતી વસ્તુઓની યાદીમાં વધુ એક કીમતી નમૂનાનો સમાવેશ થાય છે. હાલમાં હૈદરાબાદના નિઝામ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા હીરાજડિત કૉફીના કપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેની બજારકિંમત કરોડો રૂપિયામાં અંકાય છે.

નિઝામના વારસામાં સામેલ કૉફી પીવાના આ કપ કોઈ સામાન્ય વાસણ નથી. આ કપ શુદ્ધ સોનામાંથી બનેલા છે અને એના પર અત્યંત કીમતી હીરા અને માણેક જડવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે આ કૉફી કપના સેટની કિંમત આશરે ૪૦૦ કરોડ રૂપિયા જેટલી થઈ શકે છે. હૈદરાબાદના પુરાણી હવેલીસ્થિત નિઝામ મ્યુઝિયમમાં આ કપને અત્યંત ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે.

આ કપનો ઉપયોગ હૈદરાબાદના અંતિમ નિઝામ મીર ઉસ્માન અલી ખાનના સમયમાં થતો હોવાનું મનાય છે. નિઝામો પાસે વિશ્વના સૌથી મોટા અને કીમતી હીરાઓનો સંગ્રહ હતો, જેમાં અતિ મૂલ્યવાન જેકબ ડાયમન્ડનો પણ સમાવેશ થાય છે.

hyderabad offbeat news national news news