01 December, 2025 03:03 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઓડિશામાં એક સાયન્ટિસ્ટ યુવક અને સિસ્ટમ ઍનલિસ્ટનું કામ કરતી યુવતી વચ્ચે પ્રેમ થયો. બન્નેએ લગ્ન કર્યાં ત્યારે એ લગ્નસમારંભ તેમના ગામ બ્રહ્મપુરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.
બ્રહ્મપુરમાં રહેતી પ્રીતિપન્ના મિશ્રા હૈદરાબાદમાં કામ કરે છે અને આંધ્ર પ્રદેશના કાકીનાડામાં રહેતો તેજા નામનો સાયન્ટિસ્ટ બૅન્ગલોરમાં જૉબ કરે છે. એક પ્રોફેશનલ ઇવેન્ટમાં બન્ને મળ્યાં અને તેમને પ્રેમ થઈ ગયો. બન્નેએ કોઈ પણ ધામધૂમ વિના સાદગીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન કઈ રીતે કરવાં એનો આઇડિયા યુવતીનાં મમ્મી વિદ્યુતપ્રભાએ આપ્યો હતો જે લેખિકા અને નિવૃત્ત સરકારી કર્મચારી છે. સંવિધાન પ્રત્યેક ભારતીય માટે એક પવિત્ર પુસ્તક છે અને લોકો સંવિધાનમાં જણાવેલા આદર્શો વિશે જાણે એ જરૂરી હોવાથી તેમણે સંવિધાનની સાક્ષીએ લગ્ન કરાવવાનો વિચાર આપ્યો અને વર-વહુએ એને વધાવી લીધો. લગ્નસમારંભમાં ખૂબ ઓછા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ એ બધા માટે રક્તદાન શિબર પણ યોજાઈ હતી જેમાં દુલ્હા-દુલ્હન સહિત અનેક મહેમાનોએ રક્તદાન કર્યું હતું.