29 May, 2026 10:38 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
માના મૃત્યુ પછી ઘરમાં શોકને બદલે વિવાદ શરૂ થઈ ગયો
જે દીકરાઓને માએ નવ મહિના કૂખમાં રાખ્યા અને પાળીપોષીને મોટા કર્યા તે જ દીકરાઓએ માને અંતિમ સમયમાં રઝળતી છોડી દીધી. આ શરમજનક ઘટના ઓડિશાના બાલેશ્વરમાં બની હતી. બંસીધર દાસ અને તેમની પત્ની તુલસી દાસને ત્રણ દીકરાઓ હતા. મોટો દીકરો તો ઘણા સમયથી ગાયબ થઈ ગયો હતો, પણ બે દીકરાઓએ માતાપિતાની જવાબદારી વહેંચી લીધી હતી. વચલા દીકરાએ પિતાને પાસે રાખ્યા જ્યારે નાના દીકરાએ માને રાખવાની જવાબદારી લીધી હતી. થોડા સમય પહેલાં બંસીધર દાસનું મૃત્યુ થઈ ગયું. મંગળવારે ૨૬ મેએ માએ પણ અંતિમ શ્વાસ લીધા. જોકે માના મૃત્યુ પછી ઘરમાં શોકને બદલે વિવાદ શરૂ થઈ ગયો. વૈષ્ણવ પરંપરાથી જોડાયેલા હોવાથી ગામના લોકોનું કહેવું હતું કે વૃદ્ધ માના અંતિમ સંસ્કાર ઘરના પરિસરમાં જ કરવામાં
આવે. જોકે આ મામલે માના નામની સંપત્તિ કોની પાસે રહેશે એ બાબતે ચર્ચા ઊખળી. બન્ને વચ્ચે વિવાદ એટલો વધ્યો કે સામે માનું શબ પડ્યું છે એની પણ આમન્યા તેઓ ભૂલી ગયા. બેમાંથી કોઈએ માના પાર્થિવને હાથ પણ લગાવવાની ના પાડી દીધી. ગામવાળાઓએ બન્ને ભાઈઓને સમજાવવાની કોશિશ કરી પણ કોઈ પરિણામ ન આવ્યું. ૧૦ કલાક સુધી પાર્થિવ દેહ એમ જ પડ્યો રહ્યો. આખરે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પણ પરિસ્થિતિની નજાકત જોઈને બે દીકરાઓને સમજાવવાની કોશિશ કરી, પણ વ્યર્થ ગયું. બન્નેએ માની અરથીને કાંધ આપવાની પણ ના પાડી દીધી. આખરે ચાર પોલીસોએ ગામવાળાઓની મદદથી પાર્થિવ દેહને કાંધ આપી અને અગ્નિસંસ્કાર કર્યા.