04 July, 2026 02:48 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે
આસ્થાનો અર્થ અંધવિશ્વાસ કદી ન હોઈ શકે, પરંતુ કેટલાક લેભાગુ બાબાઓ આસ્થા અને દિવ્ય શક્તિના નામે કંઈ પણ દાવાઓ કરે છે. આંધ્ર પ્રદેશમાં ૪૯ વર્ષના એક બાબાએ પણ આવા જ દિવ્ય શક્તિના દાવા કરીને અનેક લોકોની નજરો સામે સ્ટન્ટ કર્યો હતો અને જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે. આ બાબા પહાડની કિનારીએ પૂજાવિધિ કરી રહ્યા છે. એ પછી બે મોટા પથ્થરો કપડામાં લપેટીને પોતાના ખભે ભરાવે છે. એ પછી પણ કંઈક વિધિઓ કરતાં-કરતાં બાબા પહાડની કિનારીએ ચાલે છે અને પછી અચાનક જાણે પાંખો આવી હોય એમ બે હાથ પહોળા કરીને પહાડની કિનારીએથી છલાંગ લગાવે છે. હવામાં ઊડવાનો દાવો કરતા બાબાજી સીધા નીચેના ખડકો પર અફળાતા જાય છે અને નીચે પડે ત્યાં સુધીમાં તેમનું શરીર નિશ્ચેતન થઈ ગયેલું દેખાય છે.