19 June, 2025 01:25 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ઉત્તર ભારતમાં એક અનોખું ઘર
ઉત્તર ભારતમાં એક અનોખું ઘર છે જે બે રાજ્યોમાં ફેલાયેલું છે. ઘરના બે દરવાજા છે. એક દરવાજો હરિયાણામાં પડે છે તો બીજો નાનો દરવાજો રાજસ્થાનમાં. આ ઘરમાં ઈશ્વર સિંહ અને કૃષ્ણ કુમાર નામના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે રહે છે. ઈશ્વર સિંહનો પરિવાર રાજસ્થાનની સુવિધાઓનો લાભ લે છે અને કૃષ્ણ કુમારનો પરિવાર હરિયાણાની યોજનાઓનો લાભ લે છે. ઘરનું મોટું આંગણું અને એમાં આવેલા મોટા બાથરૂમ રાજસ્થાનમાં પડે છે, જ્યારે રૂમવાળો ભાગ હરિયાણામાં. એક જ ઘરમાં રહેતા બે ભાઈઓના પરિવારો બે અલગ-અલગ રાજ્યોમાં રહેતા હોય એ અજીબ બાબત છે. નવાઈની વાત એ છે કે આ બે ભાઈઓનું ઘર જ માત્ર બે રાજ્યોમાં વહેંચાયેલું છે એવું નથી. બન્ને ભાઈઓ પોતે જે રાજ્યના નાગરિક છે એ રાજ્યમાં રાજનીતિક ભાગીદારી પણ નિભાવે છે. ઈશ્વર સિંહનો દીકરો હવા સિંહ રાજસ્થાનના ભિવાડીનગરના નગરસેવક તરીકે ત્રણ વખતથી ચૂંટાઈને આવ્યો છે, જ્યારે કૃષ્ણ કુમાર હરિયાણાના ધારુહેઠા નગરમાં બે ટર્મથી નગરસેવક રહી ચૂક્યો છે.
જ્યારે કોઈ સગાંસંબંધીને કે પહેલી વાર ઘરે આવનારાને બે રાજ્યોમાં વહેંચાયેલા ઘર વિશે ખબર પડે છે ત્યારે તેમને નવાઈ લાગે છે. બાકી હવે અમે બે રાજ્યોની સીમા પર રહેવા ટેવાઈ ચૂક્યા છીએ એવું બન્ને ભાઈઓ કહે છે.