પાકિસ્તાનના સિંધમાં લગ્નમાં વિવાદમાં હિંસક ટોળાએ આખું ગામ સળગાવ્યું

20 May, 2026 12:04 PM IST  |  Jacobabad | Gujarati Mid-day Correspondent

૧૦૦થી વધુ મકાનો રાખના ઢગલામાં ફેરવાયાં

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકબાબાદ જિલ્લામાં બે અલગ-અલગ સમુદાયનાં યુવક-યુવતી વચ્ચે થયેલાં લગ્નના વિવાદે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આશરે ૪૦૦ જેટલા સશસ્ત્ર નરાધમોના ટોળાએ બુરીરો સમુદાયના એક આખા ગામ પર હુમલો કરી, અંધાધૂંધ ફાયરિંગ કરીને ૧૦૦થી વધુ ઘરોને આગને હવાલે કરી દીધાં હતાં. આ ભયાનક હુમલાને કારણે સેંકડો ગ્રામજનો રાતોરાત બેઘર બની ગયા હતા.

અહેવાલો અનુસાર ચન્ના સમુદાયની સિદરા નામની યુવતીએ ૪ મેએ હૈદરાબાદની અદાલતમાં મોહમ્મદ હસન બુરીરો સાથે કોર્ટ-મૅરેજ કર્યાં હતાં. આ લગ્નથી નારાજ યુવતીના પક્ષના લોકોએ બુરીરો સમુદાયના ગામ પર હિંસક હુમલો કર્યો હતો. વરરાજાના પિતા મલ્હાર બુરીરોએ આક્રોશ વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે બે વ્યક્તિનાં લગ્નની સજા આખા સમુદાયને કેમ આપવામાં આવી રહી છે?

બીજી તરફ હુમલા બાદ નવદંપતીએ એક વિડિયો-સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યાં છે. તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાથી તેમણે સરકાર પાસે સુરક્ષા અને ન્યાયની માગણી કરી છે.

આ મામલાએ ત્યારે નવો વળાંક લીધો જ્યારે કન્યાના પિતાએ એક વિડિયો જાહેર કરીને દાવો કર્યો કે તેમની પુત્રી માત્ર ૧૪ વર્ષની સગીરા છે. આ લગ્ન બાળલગ્ન પ્રતિબંધક કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. પિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેમની ૧૪ વર્ષની પુત્રીની સાથે ૪ વર્ષની નાની પુત્રીનું પણ અપહરણ કર્યું છે જેને હજી સુધી પોલીસ શોધી શકી નથી.

pakistan islam offbeat news international news world news news